રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જુલાઈ, ૨૦૨૪ માં કહ્યું હતું કે, અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. જો કે, ગત વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. ત્યારબાદ હવે રાહુલ ગાંધી ભાજપને તેના જ મજબૂત ગઢ ગુજરાતમાં ઘેરવા માગે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના એપ્રિલમાં થનારા બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનના એક મહિના પહેલા ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે, જેથી અધિવેશનમાં તેના અનુરૂપ રણનીતિ બનાવી શકાય. જો કે, ગુજરાતમાં યોજાયેલી બેઠકોમાં કાર્યકર્તાઓનો રોષ જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ૪૦૦ થી વધુ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહીં તેમણે શહેર-જિલ્લા પ્રમુખો, તાલુકા-નગર પ્રમુખો સાથે રાજ્યની મુખ્ય સમસ્યા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તમામ સિનિયર કોંગ્રેસ આગેવાનોને કેટલાક સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતાઓને ખખડાવ્યા હતા. ગુજરાતની ચૂંટણીઓમાં કારમી હારને લઈને સિનિયર નેતાઓનો ઉધડો લીધો હતો.
ગુજરાતમાં કોંગ્રેસ વર્ષ ૧૯૯૫થી સત્તાથી દૂર છે. તેવામાં હવે રાહુલ ગાંધી ગુજરાતમાં વધુ સક્રિય થતા નજરે પડી રહ્યા છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ શીર્ષ નેતૃત્વથી સંતુષ્ટ ન હોવાનું આજે જોવા મળ્યું છે. રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજેલી બેઠકમાં કાર્યકરોનો આક્રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ સંગઠનને બદલવા માગ ઉઠી. કેટલાક આરોપ લગાવાયા છે અને કેટલીક માગ પણ રજૂ કરાઈ છે. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજૂઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે.
રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્યના શીર્ષ નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા. શીર્ષ નેતૃત્વને કારણે ગુજરાતમાં પાર્ટીનું પતન થઈ રહ્યું હોવાની વાત કરી હતી. એક કાર્યકર દ્વારા ગણતરીના નેતાઓનું જ કોંગ્રેસમાં ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ કરે તેવા શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, હિમંત સિંહ પટેલ, મધુસુદન મિસ્ત્રી સિવાય કોઈ ચહેરા મળતા જ નથી. એટલા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ખતમ થઈ રહી છે.
અન્ય એક કોંગ્રેસ કાર્યકરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટીમાં વ્હાલાદવલાની નીતિના કારણે કોંગ્રેસ ક્યારે ઉભી થતી જ નથી. પાર્ટીમાં આંતરિક વિખવાદના કારણે પાર્ટી તૂટી રહી છે.
કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેનના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. કાર્યકર્તાઓના અનુસાર, લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેન ઠાકોરને હરાવવાના કોંગ્રેસના જ નેતાઓ દ્વારા ખુબ પ્રયાસો થયા હતા, જો કે તેઓ જીતી ગયા. ગેનીબેનને હરાવવા આંતરિક ખેંચાખેંચી થઈ હતી.
ગુજરાત કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠકમાં સંગઠન અંગે તાલુકા પ્રમુખોએ નારાજગી વ્યક્ત કરતા બળાપો કાઢ્યો હતો. તેમણે સંગઠનમાં બદલાવ અંગે માગ કરી હતી. આ બેઠકમાં કાર્યકરોએ કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ અને શીર્ષ નેતાઓ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા નથી. તાલુકા પ્રમુખોની રજૂઆત તરીકે અમને નીચેના માણસોને સાંભળનારો માણસ જોઈએ છે. જે ફૂટેલા અને ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે તેમનું જ ચાલે છે. નાના માણસોનું ચાલે તે દિશામાં આગળ વધવું જોઈએ.
સંગઠનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ગદ્દારોને હાંકી કાઢવામાં આવે તેવી પણ તાલુકા પ્રમુખોએ રજૂઆત કરી હતી. આ સાથે સંગઠનમાં જે ગદ્દારો છે તેમની વિરુદ્ધ પગલા લેવાની પણ રાહુલ ગાંધીને રજૂઆત કરાઈ છે. પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મોકલવા પણ કાર્યકરોએ માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્ય સ્તરના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખો ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, વિધાનસભા નેતા વિપક્ષ અમિત ચાવડા અને મધુસુદન મિસ્ત્રી હાજર રહ્યાં હતા. આ સિવાય ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી.વેણુગોપાલ, AICC સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિન પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, લલિત કગથરા, ઋષિકેશ મકવાણા અને ગેનીબેન ઠાકોર સહિતના શીર્ષ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ ૭ માર્ચે રાજીવ ભવન ખાતે એક બાદ એક પાંચ બેઠકો કરી હતી. જેમાં પહેલી બેઠક પ્રદેશ નેતાઓ, વિધાનસભામાં નેતા વિપક્ષ, વિધાનસભામાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. ત્યારબાદ બીજી બેઠક પોલિટિકલ અફેર્સ કમિટીની યોજાઈ હતી. જેમાં ૧૨ ધારાસભ્યો, ૧ સાંસદ , પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિતના ૧૮ સેલના ચેરમેનો સાથે ત્રીજી બેઠક કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી બે કલાક માટે આરામ કર્યો હતો. પછી ચોથી બેઠક કોંગ્રેસના ૩૩ જિલ્લા પ્રમુખ અને ૧૧ શહેર પ્રમુખ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જ્યારે પાંચમી બેઠક ૩૦૦ વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખો સાથે યોજાઈ હતી. હવે રાહુલ આજે શનિવારે ZA હોલ ખાતે ૨૦૦૦ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ કરશે.
આજે શનિવારે રાહુલ ગાંધી સવારથી બપોર સુધી કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. આ સંવાદમાં જિલ્લાથી લઈને તાલુકો અને શહેર કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાશે. આ સંવાદમાં હાલની રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ કેવી રીતે લઈ જવી, આગામી લોક ચેતના અને લોક સંપર્ક માટેના કાર્યક્રમોની ચર્ચા સાથે રાજ્યના નાગરિકોની હયાત સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.