દેશમાં કોરોના હવે કાળ બનતો જાય છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 1 લાખ 15 હજાર 262 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 1 લાખ 15 હજારને પાર થયા કોરોનાના કેસ. કોરોનાએ એક જ દિવસમાં લીધો 630 દર્દીઓનો ભોગ અને સૌથી વધુ મહારાષ્ટ્રમાં 55 હજાર 469 કેસ પોઝિટિવ આવ્યા છે તો 297ના મોત થયા છે. છત્તીસગઢમાં 9921, કર્ણાટકમાં 6150 કેસ નોંધાયા. જણાવવું રહ્યું કે વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. આ સાથે જ ભારતમાં 1.15 લાખને પાર કેસ જતા રહ્યા છે. બીજા નંબરે બ્રાઝિલમાં 82 હજારથી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમિતોના આંકડામાં રોજ ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં તમામ મહાનગરોમાં કોરોનાની સૌથી વિકટ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 3280 નવા કેસ નોંધાયા તો કાળમુખો કોરોના 17 દર્દીઓને ભરખી ગયો જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 દર્દીના મોત થયા તો રાજકોટ શહેરમાં બે અને વડોદરા શહેરમાં 1 દર્દીનું મોત થયું.
અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના 798 કેસ નોંધાયા તો સુરત શહેરમાં 615 કેસ સામે આવ્યા. રાજકોટ શહેરમાં 321 અને વડોદરા શહેરમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા. પાટણમાં પણ રીતસરનો કોરોના મહાવિસ્ફોટ થયો છે. રાજ્યના મહાનગરો બાદ એકમાત્ર પાટણ જિલ્લામાં જ 107 કેસ નોંધાયા છે. મહેસાણામાં 63 કેસ અને કચ્છમાં 35 કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
આરોગ્ય વિભાગ તમામ જિલ્લામાં બેડ, ઓક્સિજન, દવા, ટેસ્ટિંગ કીટ વધારવા કામે લાગ્યું છે. રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 3 લાખ 12 હજાર લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને કોરોનાએ અજગરી ભરડામાં જાણે જકડ્યું છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને પાછલા 24 કલાકમાં 817 પોઝિટિવ કેસ સામે આવ્યા તો અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા જેની સામે શહેર અને જિલ્લામાં મળીને 456 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.