પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને ૧૦૦ થી વધારે લોકોને બંધક બનાવ્યા છે. આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં ૧૨૦ મુસાફરો સવાર હતા.
બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, ATF (આતંકવાદ વિરોધી દળ) અને ISI(ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ)ના એક્ટિવ-ડ્યૂટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ ચેતાવણી આપી છે કે, જો ટ્રેનમાં હાજર સૈનિકોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.
ઓપરેશન દરમિયાન, BLAના આતંકવાદીઓએ મહિલા, બાળકો અને બલૂચ યાત્રીઓને મુક્ત કરી દીધા છે. મળતી માહિતી મુજબ, BLAની ફિદાયીન યુનિટ, મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ફતેહ સ્ક્વૉડ અને STOS તેમજ ગુપ્ત શાખા ઝીરાબનો સમાવેશ થાય છે.
પહેલાં બલૂચ જૂથે પાકિસ્તાન અને ચીન સામે એક નવા હુમલાનું એલાન કર્યું હતું. બલૂચ જૂથે તાજેતરમાં જ સિંધી અલગતાવાદી જૂથ સાથે યુદ્ધ અભ્યાસ ખતમ કરી દીધો છે અને બલૂચ રાજી અજાઓઈ સંગર (BRAS) નું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં નિર્ણાયક યુદ્ધ વ્યૂહરચના જાહેર કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બલૂચ રાષ્ટ્રીય આંદોલનને નિર્ણાયક તબક્કામાં પહોંચાડવા માટે મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એ વાત પર સંમતિ બની હતી કે, BRAS જલ્દી બલૂચ રાષ્ટ્રીય સેનાનું રૂપ લેશે.
BRAS ના આગમનથી પાકિસ્તાનમાં ચીન દ્વારા ચલાવવામાં આવતા ઘણા CPEC પ્રોજેક્ટ્સ માટે મોટું જોખમ ઉભું થયું છે. બલૂચ રાજી અજોઈ સંગાર (BRAS) ની સંયુક્ત બેઠક બાદ એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાગીદાર સંગઠનો – બલૂચ લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ અને સિંધી લિબરેશન ઓર્ગેનાઇઝેશન સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીએ હાઇલેવલ ડેલિગેશનમાં ભાગ લીધો હતો.