વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક આ ઘટના બની હતી. જ્યાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં ૩ જેટલાં લોકોના કચડાઈ જતાં મોતનો દાવો કરાયો છે. જોકે હાલ મોતના આંકડાની પુષ્ટી થઇ શકી નથી.
ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ નબીરા સાથે જતો મિત્ર તાત્કાલિક કારમાંથી ઉતરતો નાસી જતો દેખાય છે અને તે કહી રહ્યો છે કે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઇ જાય છે. જોકે જેણે અકસ્માત સર્જ્યો હતો તે નબીરો લોકોથી ડર્યા વિના કારમાંથી નીચે ઉતરે છે અને પછી ૐ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગે છે. તે કારમાંથી ઉતરતાં જ ‘નિકિતા મેરી… અંકલ…. ઓમ નમઃ શિવાય….’ જેવી બૂમો પાડવા લાગ્યો હતો.
અકસ્માતમાં લગભગ ૭ જેટલાં લોકો અડફેટે આવ્યાની જાણકારી મળી રહી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે તેમ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર લોકોની ભીડે નબીરાને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કરી દીધો હતો જોકે તેનો સાથીદાર હજુ ફરાર છે.