પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાને એક મોટો ઝટકો લાગતાં મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલ સિંધીની હત્યા કરી દેવાયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના શનિવારે રાતે ૦૮:૦૦ વાગ્યે બની હતી. અબુ કતાલ ભારત પર કરાયેલા અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો.
NIA દ્વારા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આર્મી સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે તે મોટો માથાનો દુઃખાવો બની ગયો હતો. આતંકી અબુ કતાલ હાફિઝ સઈદનો નજીકનો ખાસ માણસ ગણાતો હતો. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ મનાય છે. ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલામાં ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે લશ્કર-એ-તોયબાના ૧૦ પાકિસ્તાની આતંકીઓએ મુંબઈમાં અનેક ઠેકાણે એકસાથે આતંકી હુમલા કર્યા હતા. આ ઘટનાને કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
૯ જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીના શિવ ખોડી મંદિરથી પાછા ફરતા તીર્થયાત્રીઓની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. તે હુમલાનો માસ્ટર માઇન્ડ પણ અબુ કતાલ સિંધી જ હતો. આ ઉપરાંત અનેક આતંકી હુમલાઓમાં તેની ભૂમિકા હોવાનું મનાય છે. એએનઆઈએ 2023ના રાજૌરી હુમલામાં પણ અબુ કતાલને જવાબદાર ઠેરવ્યો હતો.
