ઉત્તર પ્રદેશમાં ઝૂંપડા પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાં રહેતી એક બાળકી દોડીને ઝૂંપડામાં પહોંચી હતી અને પોતાની પુસ્તકો અને શાળાની બેગ લઇને બહાર આવી ગઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ બાળકી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં જ્યારે બુલડોઝર કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પોતાના ઝૂંપડા પર સરકારનું બુલડોઝર ફરીવળે તે પહેલા જ એક બાળકી દોટ કાઢીને ઝૂંપડામાં ગઇ હતી અને પોતાના પુસ્તકો સાથે સ્કૂલની બેગ લઇને બહાર આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ બાળકીને મદદ માટે હાથ લંબાવ્યા હતા. સાથે જ પ્રશાસનની ટીકા પણ કરી હતી.
પોતાના પુસ્તકો બચાવવા ઝૂંપડામાં કૂદી પડી હતી તે બાળકીનું નામ અનન્યા છે, વીડિયો વાયરલ થતા મીડિયા તેની પાસે પહોંચ્યું હતું, જેને બાળકીએ જણાવ્યું હતું કે પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી, જો હું સમયસર મારા ઝૂંપડામાં ના ગઇ હોત તો મારા પુસ્તકો પણ બળી ગયા હોત. પુસ્તકો બળી ગયા હોત તો હું મારો શિક્ષણનો અભ્યાસ ના કરી શકી હોત. આંબેડકરનગર જિલ્લાના અરાઇ ગામમાં ડિમોલિશન કાર્યવાહી ચાલી રહી હતી જે દરમિયાન અનન્યા અને અન્યોના ઝૂંપડા પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકો અનન્યાની મદદ માટે આગળ આવ્યા હતા.