ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા ૭.૨ જ્યારે બીજાની ૭.૦ નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલેન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.
મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય મણિપુર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઈંગ માં હતું. ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો.
મ્યાનમાર અને ભારત સિવાય બેંગકોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં પહેલીવાર ૧૧:૫૨ વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં ૧૨:૦૨ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જિયોસાયન્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીની ૧૦ કિ.મી નીચે હતું.
બેંગકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.