અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે ૪૮ ઉપરથી પણ ટોલ ફી વધારો જાહેર કરાયો.
GSRTC દ્વારા એસટી બસના ભાડામાં ભાવ વધારા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ૧ એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ભાવ વધારો થશે. વિગતો મુજબ ટોલ પ્લાઝા પર રૂ.૫ થી રૂ.૪૦ સુધી વધારો કરાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે ૪૮ ઉપરથી પણ ટોલ ફી વધારો જાહેર કરાયો છે.
૧ એપ્રિલથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ વધુ ચૂકવવો પડશે. કાર-જીપના રૂ.૧૩૫ ના બદલે હવે રૂા.૧૪૦ ચૂકવવા પડશે. બસ-ટ્રકના રૂ.૪૬૫ ના બદલે રૂ.૪૮૦ ચૂકવવા પડશે. વડોદરાથી આણંદના કારના રૂ.૫૦ ના બદલે હવે રૂ.૫૫ થયા તો વડોદરાથી નડિયાદના રૂ.૭૦ ના બદલે રૂ.૭૫ ટોલ લેવામાં આવશે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર-જીપના રૂ.૧૧૦ થયા તો વાસદથી વડોદરાના કાર-જીપના રૂ.૧૬૦ થયા છે. ભરથાણા ટોલપ્લાઝા કાર, જીપની ટોલ ફી રૂ.૧૫૫ થી વધીને રૂ.૧૬૦ થઈ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક ૧૦ % નો વધારો ઝીંક્યો છે. આ નવા દરો ગઇકાલે મધરાત્રિથી અમલમાં આવી ચૂક્યા છે, જેના કારણે રાજ્યભરના આશરે ૨૭ લાખ મુસાફરો પર સીધી અસર પહોંચી છે. વર્ષ ૨૦૧૪ બાદ પહેલીવાર ૨૦૨૩ માં એટલે કે ૧૦ વર્ષ બાદ એસટી નિગમ દ્વારા ૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ૨૫ % સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં ૪૮ કિમી સુધી રૂ.એકથી લઈને ૬ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો અને હવે ફરી વધારો કરવામાં આવ્યો છે.