આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ૬૦૦ થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. પ્રાઇવેટ હોસ્પિટલોનું કહેવું છે કે યોજના અંતર્ગત નક્કી કરાયેલા નીચા દરો અને પેમેન્ટમાં થતા વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
વર્ષ ૨૦૧૮ માં શરૂ થયેલી ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) અંગે એક મોટી માહિતી સામે આવી છે. સરકારી આંકડા અનુસાર, આ યોજના શરૂ થયા પછીથી અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. આ હોસ્પિટલોએ મોડું પેમેન્ટ અને ઓછા રિએમ્બર્સમેન્ટ રેટ જેવા કારણો આપીને યોજનામાંથી પોતાને અલગ કરી દીધા છે.

આયુષ્માન ભારત યોજનાથી પોતાને અલગ કરનારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં સૌથી વધુ ગુજરાત રાજ્યની હોસ્પિટલો છે. ગુજરાતની ૨૩૩ હોસ્પિટલોએ યોજનાથી બહાર થવાનો નિર્ણય લીધો. આ પાછો કેરળમાં ૧૪૬ અને મહારાષ્ટ્રમાં ૮૩ હોસ્પિટલોએ પણ આ પ્રકારનું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા રાજ્યસભામાં શેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કુલ ૬૦૯ પ્રાઇવેટ હોસ્પિટલો અત્યાર સુધીમાં આ યોજનાથી બજાર થઈ ચુકી છે. આ સ્થિતિ એ યોજના માટે ચિંતાનો વિષય બની ગઈ છે, જેનો ઉદ્દેશ દેશના ૧૦ કરોડ પરિવારો કે લગભગ ૫૦ કરોડ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે.
પ્રાઇવેટ હોસ્પિટલોનું કહેવું છે કે યોજના અંતર્ગત નક્કી કરાયેલા નીચા દરો અને પેમેન્ટમાં થતા વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઘણી હોસ્પિટલોએ દાવો કર્યો છે કે રાજ્ય સરકારો દ્વારા સમયસર ફંડ રિલીઝ ન થવાને કારણે તેમને સમયસર પૈસા મળતા નથી, જેનાથી તેઓ આ યોજનામાં ભાગીદારી ચાલુ રાખવામાં અસમર્થ થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, ફેબ્રુઆરીમાં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના હરિયાણા એકમ હેઠળની સેંકડો ખાનગી હોસ્પિટલોએ ૪૦૦ કરોડ રૂપિયાથી વધુની ચુકવણી બાકી હોવાથી આ યોજના હેઠળ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ એસોસિએશનો દ્વારા પણ આવા જ સસ્પેન્શનની માંગ કરવામાં આવી હતી.
છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજ્યોમાં, કેટલાક સારવાર પેકેજો ફક્ત સરકારી હોસ્પિટલો માટે જ અનામત રાખવામાં આવ્યા હોવાને અને સરકારી હોસ્પિટલો તરફથી કોઈ રેફરલ ન મળવાને કારણે પણ ખાનગી હોસ્પિટલો બહાર નીકળી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) એ હોસ્પિટલો માટે માર્ગદર્શિકા નક્કી કરી છે કે તેઓ આંતર-રાજ્ય હોસ્પિટલો માટે ક્લેમ દાખલ કર્યાના ૧૫ દિવસની અંદર અને રાજ્યની બહાર સ્થિત પોર્ટેબિલિટી હોસ્પિટલો માટે ૩૦ દિવસની અંદર ક્લેમ ચૂકવે.