નેપાળમાં શુક્રવારે ( આજે ) રાત્રે ૦૭.૫૨ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૦ માપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૨૦ કિમી ઊંડાઈમાં હતું. કેન્દ્રબિંદુ નેપાળના ટાલેંગાઉ પાસે હતું.
નેપાળ દુનિયામાં સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંથી એક છે, જ્યાં ભૂકંપનો ખતરો સૌથી વધુ રહે છે. થોડા દિવસ અગાઉ જ મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હજુ તો મ્યાનમારમાં ભૂકંપના ઘા રુઝાયા નથી ત્યાં નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારત સરકારે મ્યાનમારના ભૂકંપ પીડિત લોકોની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે આશરે પાંચ હજાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ૩૦૦ થી વધુ હજુ ગુમ છે.
ગઇકાલે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૨.૬ માપવામાં આવી હતી.
