અમદાવાદ: BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવી શકાશે, જાણો નિયમ

કોરોનાના વધી રહેલા કેસ અને આઠ વાગ્યાથી નાઇટ કર્ફ્યૂ (Night curfew)ના કડક અમલના પગલે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર તરફથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. જે પ્રમાણે હવે જાહેર જનતા બીઆરટીએસ કોરિડોર (BRTS corridor)માં પોતાના વાહનો ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારીને પગલે બીઆરટીએસ (BRTS) અને એએમટીએસ (AMTS)ની સેવા બંધ રાખવામાં આવી છે. આથી જ્યાં સુધી આ સેવા બંધ રહેશે ત્યાં સુધી જાહેર જનતા આ કોરિડોરનો ઉપયોગ કરી શકશે. તંત્રનું માનવું છે કે આ નિર્ણયથી શહેરનું ટ્રાફિકનું ભારણ ઓછું થશે. તેમજ લોકોને આઠ વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચવામાં મદદ મળશે.

BRTS સેવા બંધ:

હાલ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવા બંધ છે. આથી આ ટ્રેક ખાલી પડેલા છે. બીજી તરફ શહેરના રસ્તાઓ પર સવારે અને સાંજે વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. આથી તંત્ર તરફથી હવે આ ટ્રેકનો ઉપયોગ લોકો કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેક ફક્ત બીઆરટીએસ અને એએમટીએસની મંજૂરી હોય એટલી જ બસો ઉપયોગ કરી શકતા હતા. જો ખાનગી વાહનો તેમાં વાહન ચલાવે તો તેમને પકડીને દંડ ફટકારવામાં આવતો હતો. આ માટે બીઆરટીએસ બસ સ્ટેન્ટ પાસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાનગી વાહન ચાલકો બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશ ન કરે તે માટે ખાસ સેન્સરવાળા ગેટ મૂકવામાં આવ્યા છે. જે બીઆરટીએસની બસ આવે ત્યારે ખુલે છે.

નાઇટ કર્ફ્યૂને કારણ ટ્રાફિકજામની સ્થિતિ

રાજ્યના 20 શહેરની સાથે સાથે હાલ અમદાવાદ શહેરમાં પણ નાઇટ કર્ફ્યૂનો અમલ થઈ રહ્યો છે. જે પ્રમાણે સાંજે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આઠ વાગ્યે કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવતો હોવાથી શહેરમાં સાંજના સમયે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. બીજી તરફ બીઆરટીએસ કોરિડોર ખાલી પડેલો હોય છે. લોકો ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહે ત્યારે પણ સંક્રમણનું જોખમ રહેલું છે. આથી જ સવાર અને સાંજના સમયે ટ્રાફિકજામનો દ્રશ્યો ન જોવા મળે તે માટે ખાનગી વાહનોને આ કોરિડોરમાં ચાલવા દેવાની છૂટ આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ શહેર ટ્રાફિક પોલીસને લોકોને બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવા બદલ ન દંડવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોરિડોરમાં વાહન ચલાવવા બદલ ઈ-મેમો પણ નહીં આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *