અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક એસી ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક ૧૦ થી વધુ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આગ લાગ્યા બાદ ફાયર વિભાગની ૧૦ થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી છે. નવરંગપુરા, પ્રહ્લાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળેથી માતા અને બે વર્ષના બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં જ એસીનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ ૧૦ થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા.
માનવામાં આવી રહી છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા. જોકે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે.