અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નજીકના ભવિષ્યમા જ ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો ઉપર પણ ટેરિફ લાદવાની જાહેરાત કરતાં આ વૈશ્વિક ટેરિફો વોર વધુ ગંભીર બન્યું છે. જો એ ક્ષેત્ર ઉપર ટેરિફ લાગુ પડશે તો ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉપર મોટું સંકટ સર્જાવાનો ખતરો છે.
ટ્રમ્પે અત્યાર સુધી દવાઓ, અન્ય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ, સેમિકન્ડક્ટર ચિપ્સ અને કોપરને ટેરીફમાંથી મુક્તિ આપી હતી. પરંતુ હવે તેઓ ફાર્મા પ્રોડક્ટ ઉપર પણ ટેરિફ લગાડવા જઈ રહ્યા છે. આ અગાઉ લાગેલા ૨૬ % ટેરિફને કારણે આમ પણ ભારતના નિકાસલક્ષી ઉદ્યોગોને ફટકો લાગ્યો છે ત્યારે જો ફાર્મા ઉત્પાદનો પણ ટેરિફ ની લપેટમાં આવશે તો નિકાસને અસહ્ય નુકસાન થવાનો ખતરો છે કારણકે ભારતમાંથી અમેરિકામાં થતી કુલ નિકાસમાં જેનરિક અને અન્ય દવાઓનો ૧૨ થી ૧૫ % હિસ્સો છે. નોંધનીય છે કે ભારત વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓના ૨૦ % જેટલું ઉત્પાદન કરે છે.ઉપરાંત, ભારત વિશ્વના 60%થી વધુ વેક્સિન ઉત્પાદન માટે જવાબદાર છે, જેમાંથી નોંધપાત્ર હિસ્સો અમેરિકા જેવા બજારોમાં જાય છે.
ભારત અમેરિકામાં દવાઓનું મોટું બજાર ધરાવે છે .ભારતે ગત વર્ષે કુલ ૨૭.૯ બિલિયન ડોલરની દવાઓની નિકાસ કરી હતી તેમાંથી ૩૧ ટકા એટલે કે ૮.૭ બિલિયન ડોલરની દવાઓ અમેરિકામાં વેંચી હતી.
અમેરિકામાં ઉપયોગમાં લેવાતી ૪૫ % જેનરિક દવાઓ અને ૧૫ % બાયોસિમિલર દવાઓ ભારતમાંથી મોકલવામાં આવે છે. જો ટેરિફ લાગશે તો અનેક ભારતીય કંપનીઓના વેચાણ, આવક અને નફામાં ૨૦ થી ૪૫ % સુધીનો ઘટાડો થવાનો ખતરો છે.
અમેરિકામાં પણ હાલત બગડશે
અમેરિકામાં વપરાતી ૯૧ %થી વધુ દવાઓ જેનરિક છે, અને તેમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર છે. ભારત અમેરિકામાં વપરાતી જેનરિક દવાઓના લગભગ ૪૦-૫૦ % જેટલું યોગદાન આપે છે .આનો અર્થ એ થાય કે અમેરિકામાં દર બીજી જેનરિક દવા ભારતમાંથી આવે છે.ભારતીય કંપનીઓ આમ પણ ખૂબ સસ્તા ભાવે જેનરિક દવાઓ આપે છે. આ સંજોગોમાં હવે નોંધપાત્ર ભાવ ઘટાડો શક્ય નથી.જો ટેરિફનું ભારણ ગ્રાહકો ઉપર આવશે તો અમેરિકન વપરાશકર્તાઓ ઉપર જ એ વધારાનો બોજો આવશે.
ભારતની ફાર્મા કંપનીઓ સામે પડકાર
ભારતની અનેક ફાર્મા કંપનીઓની આવક અને નફામાં અમેરિકાનો મોટો હિસ્સો છે.આ કંપનીઓ માટે ગંભીર પડકાર સર્જાઈ શકે છે.
- સન ફાર્મા ૩૦-૩૫%
- સિપ્લા ૨૦-૨૫%
- ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ . ૪૦-૪૫%
- લ્યુપિન ૪૫-૫૦%
- ઓરોબિન્દો ફાર્મા ૪૫-૫૦%
- ઝાયડસ લાઇફસાયન્સિસ ૪૫-૪૭%
- ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ ૩૦-૩૫%
- ટોરેન્ટ ફાર્મા . ૨૦-૨૫%
- ગ્લેન્ડ ફાર્મા . ૫૦%થી વધુ
- બાયોકોન ૩૦-૩૫%
- ડિવિઝ લેબોરેટરીઝ . ૪૦-૪૫%
- ગ્રેન્યુલ્સ ઇન્ડિયા . ૪૦-૪૫%