તમિલનાડુ અને પુડુચેરીમાં પકડ ધરાવતી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતૃત્વ હેઠળના ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(એનડીએ)માં જોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો, આ સાથે જ રાજ્યસભાના ગણિતમાં ફેરફાર થયો છે. ગૃહમાં એનડીએ ની તાકાત વધી છે. હવે ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતીનો આંકડાઓ પાર કરી લીધો છે.
ભાજપ અને એઆઈએડીએમકે ના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર એઆઈએડીએમકે સાંસદોના સમર્થનથી એનડીએ ની તાકાત વધુ વધી છે, જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે એનડીએ સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે એઆઈએડીએમકે એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
હાલમાં રાજ્યસભામાં કુલ ૨૩૬ સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએ પાસે ૧૧૯ સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર એઆઈએડીએમકે સાંસદોનું સમર્થન મળવાથી સંખ્યા વધીને ૧૨૩ થશે. હવે જ્યારે, જ્યારે ગૃહ પૂર્ણ સભ્ય સંખ્યા એટલે કે ૨૪૫ સુધી પહોંચે છે, ત્યારે પણ એનડીએ પાસે બહુમતી રહેશે.
એનડીએ પાસે છ નામાંકિત સભ્યોનું સમર્થન પણ છે, જેનાથી એનડીએ પાસે સભ્યપદ ૧૨૯ થઈ જાય છે. નોંધનીય છે કે સામાન્ય રીતે તમામ નામાંકિત સભ્યો તેમને ગૃહમાં મોકલનાર પક્ષની તરફેણમાં મતદાન કરે છે. હજુ ખાલી બેઠકો ભરાયા બાદ, આ સંખ્યા ૧૩૪ કે તેથી વધુ સુધી પહોંચી શકે છે.
રાજ્યસભામાં ખાલી પડેલી નવ બેઠકોમાંથી, ચાર કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા નામાંકિત સભ્યો માટે હશે, ચાર જમ્મુ અને કાશ્મીરમાંથી અને એક આંધ્રપ્રદેશમાંથી હશે, જ્યાં એનડીએ સાથી ટીડીપી સત્તામાં છે.
રાજ્યસભામાં ભાજપના ૯૮ સભ્યો છે, જેમાં બે નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે એનડીએ ના સાથી પક્ષોનામાં જેડી(યુ) ના ૪, એનસીપી ના ૩, ટીડીપી ના ૨ અને શિવસેના, એજીપી, પીએમકે, આરએલડી, આરએલએમ, તમિલ મનીલા કોંગ્રેસ (મૂપનાર), એનપીપી, જેડી(એસ), આરપીઆઈ (આઠવલે), યુપીપીએલ અને એમએનએફ ના એક-એક સભ્યોનો સમાવેશ થાય છે.
