ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે, અમે લડીશું અને જીતીશું.
મંગળવારે બપોર પછી ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધી આજે બુધવારે મોડાસાની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે સંગઠન સૃજન અભિયાનની શરુઆત કરી હતી. મોડાસામાં રાહુલ ગાંધીએ ૧૨૦૦ બૂથ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
તાજેતરમાં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યા બાદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. મંગળવારે બપોર પછી ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધી આજે બુધવારે મોડાસાની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે સંગઠન સૃજન અભિયાનની શરુઆત કરી હતી. મોડાસામાં રાહુલ ગાંધીએ ૧૨૦૦ બૂથ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
મોડાસામાં રાહુલ ગાંધીએ બૂથ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. દેશમાં બે જ પાર્ટી વિચારધારાના આધારે બની છે, કોંગ્રેસ અને ભાજપ. તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે.
જો અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.’
‘અમારી ચર્ચામાં મુખ્ય વાત એ નીકળી કે, જિલ્લાને અમદાવાદથી નહીં તે જ જિલ્લામાંથી ચલાવવામાં આવશે અને જિલ્લાના નેતાઓની તાકાત વધારવામાં આવશે અને તેમને જવાબદારી આપી તેમના હાથ મજબૂત કરવામાં આવશે. અમે નિરીક્ષણ માટે નેતા મોકલ્યા છે, જે તમારી સાથે વાત કરી અમને રિપોર્ટ આપશે જેમાંથી જિલ્લા પ્રમુખ નિયુક્ત કરવામાં આવશે. જિલ્લા પ્રમુખ સમાધાન કરનાર ઉમેદવાર નહીં હોય. જિલ્લા પ્રમુખ આ જિલ્લાને ચલાવશે. તેના નિર્ણયથી જિલ્લો ચાલશે. ઉપરથી કોઈ આદેશ આપવામાં નહીં આવે.’
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે છેલ્લાં ઘણાં સમયથી અમારી પાર્ટી નિરાશ જોવા મળે છે. ગુજરાતમાં નિરાશા જોવા મળી રહી છે. એવું લાગે છે કે, આ ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ, હું તમને અહીં જણાવવા આવ્યો છું કે, આ કોઈ અઘરૂ કામ નથી. આપણે ગુજરાતમાં આ કામ કરીને રહીશું. અમે નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં મને જાણવા મળ્યું કે, અહીં લોકલ નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ કરવામાં નથી આવતાં.
મને જણાવ્યું કે, ખબર નહીં ટિકિટ ક્યાંથી આવી? જાણે આકાશમાંથી ટપકીને આવી જતી હોય. બીજી વાત મેં પહેલાં કહ્યું હતું કે, બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો અને બીજો વરઘોડાનો ઘોડો પરંતુ, ત્રીજો ઘોડો પણ હોય છે જે લંગડો છે. હવે અમે આ ઘોડાને થોડા અલગ કરવા ઈચ્છીએ છીએ. રેસના ઘોડાને અમે દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું.
અમે ઈચ્છીએ છીએ કે, સંગઠન અને ચૂંટણી લડનારા વચ્ચે કનેક્શન હોય. આજકાલ એવું થાય છે કે, કોંગ્રેસનું સંગઠન ચૂંટણી જીતાડે છે અને એકવાર વ્યક્તિ ધારાસભ્ય, સાંસદ બની જાય પછી તે સંગઠનને ભૂલી જાય છે અને કહે છે તમે જાણો અને તમારૂ કામ જાણે.
તેથી હવે અમે સંગઠનના માધ્યમથી લોકોની પસંદગી કરીશું. આ અમારો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ છે. ગુજરાતમાં તેને ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે, ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. અમારી લડાઈ વિચારધારાની છે જે ગુજરાતમાં અમે લડીશું અને જીતીશું.