વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત ગતિ સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળી શરૂઆત બાદ બપોરના સેશનમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટ ઉછળી ૭૮૦૦૦ નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ ૨૩૭૦૦ની મજબૂત સાયકોલોજિકલ સપાટી પર પરત ફર્યો છે.
સેન્સેક્સ આજે નજીવા ઘટાડા સાથે ખૂલ્યા બાદ મોર્નિંગ સેશનમાં ૧૩૦૦ પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બાદમાં ૧૧:૦૦ વાગ્યાથી માર્કેટમાં સતત સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સેશનમાં ૧૦૧૫ પોઈન્ટના ઉછળી ૭૮૦૬૦ ની ટોચે પહોંચ્યો હતો. ૧૨.૪૮ વાગ્યે ૧૦૨૭.૯૩ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ. ૩ લાખ કરોડ વધી હતી. ૧૨.૫૯ વાગ્યા આસપાસ ૧૧૨૮.૭૮ પોઈન્ટ કુદી ૭૮૧૭૩.૦૮ના હાઈ લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટીએ પણ આજની શરૂઆત નરમ વલણ સાથે કરી હતી. જે બાદમાં ૨૫૦ થી વધુ પોઈન્ટ ઉછળી ૨૩૭૦૦ ની અત્યંત મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. ૧૨.૪૯ વાગ્યે ૨૯૪.૩૦ પોઈન્ટના ઉછાળે ૨૩૭૩૧.૫૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ૫૦ માં ટ્રેડેડ ૪૨ શેર ગ્રીન ઝોનમાં જ્યારે ૮ શેર રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં વધુ ૦.૫૦ % ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં તેજી વધી છે. બીએસઈ બેન્કેક્સ ૧૨૮૩.૬૨ પોઈન્ટ (૨.૦૭ %) ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડીએફસીબેન્ક, એક્સિસ બેન્કના શેરોમાં વોલ્યૂમ વધતાં બેન્કેક્સ આજે ૬૨૦૭૬.૮૫ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ટેલિકોમ શેર્સમાં પણ ખરીદી વધી છે. બીએસઈ ખાતે ટેલિકોમ ઈન્ડેક્સ ૨.૩૫ % ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.
-અમેરિકામાં આર્થિક મંદી, મોંઘવારીની ભીતિ, ડોલર નબળો પડતાં વિદેશી રોકાણકારોનું કમબેક, FIIની સળંગ બે દિવસથી ખરીદી
– ટેરિફવૉરના કારણે ડોલર સતત નબળો પડ્યો છે. રૂપિયો આજે વધુ ૧૦ પૈસા મજબૂત બની ૮૫.૫૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
– ટેરિફવૉરમાં ૯૦ દિવસની રાહતથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે સમાધાન થાય તેવી શક્યતાઓ વધી
– એશિયન શેરબજારમાં સુધારાની અસર, નિક્કેઈ ૧.૩૫ %, હેંગસેગ ૧.૩૨ % ઉછળ્યો