સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ ૨૦૨૫ પર સુનાવણી થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપી શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ ૭૦ મિનિટ સુધી સુનાવણી કરી હતી. કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે. આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત આદેશ જારી કરી શકે છે.
બુધવારે કેસની સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે ‘અમે સામાન્ય રીતે કોઈપણ કાયદા પર રોક મૂકી શકીએ નહીં, સિવાય કે અપવાદરૂપ સંજોગો હોય. પણ વક્ફ બાય યુઝરને ડી-નોટિફાઈ કરવાનો મુદ્દો એક અપવાદરૂપ છે. તેના માઠા પરિણામો આવી શકે છે.’
દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ વકફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સુનાવણી સાંભળી રહ્યા છે. આ બેન્ચમાં તમામ હિન્દુ જજ હોવાથી મુસ્લિમ પક્ષકારોએ તેમનો વાંધો ઉઠાવ્યો છે. આજે ગુરૂવારે બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે.