પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે બુધવારે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે. ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને કહ્યું કે, ‘કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાનને તેની સાથે કોઈ લેવાદેવા નથી.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનની એકમાત્ર ચિંતા ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશને ખાલી કરવાની છે. કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે?’ ભારતીય વિદેશ મંત્રાલયનું આ નિવેદન પાકિસ્તાનના તે વલણ પર જોરદાર હુમલો છે જેમાં તે કાશ્મીરને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે.
જનરલ અસીમ મુનીરે પાકિસ્તાની યુવાનોને દેશની ‘કહાની’ યાદ અપાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ, આપણા વિચારો, ધર્મ અને પરંપરાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે. પાકિસ્તાનની દરેક પેઢીએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું છે અને આવનારી પેઢીઓએ પણ પાકિસ્તાનની વાસ્તવિકતા સમજવી જોઈએ. તેમના ભાષણનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદી ભાવના જગાડવાનો હતો, પરંતુ તેમના કાશ્મીર નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો.’