સુરતના કામરેજ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે. સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા ૫ લોકોમાંથી ૩ લોકો તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરે સુરતથી 5 લોકો ફરવા આવ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે વહેલી તાપી નદીમાં એક મહિલા અને બે પુરૂષો ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતાં ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી મૃતકોની ઓળખ થઇ નથી પરંતુ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.