ઇસરોએ બીજી વખત ઉપગ્રહોને ડોકીંગ કરીને વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને ઇન્ડિયન ડોકીંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે.
ઇસરોએ બીજી વખત ઉપગ્રહોને ડોકીંગ કરીને ફરી એક વાર કમાલ કરી છે. જ્યાં વિશ્વના મોટાભાગના દેશો એક પણ વાર ડોકિંગ કરવામાં સફળ થઈ શક્યા નથી. ત્યાં ભારતીય અવકાશ એજન્સીએ SpadeX મિશન હેઠળ બીજી વખત ડોકીંગનું પ્રદર્શન કર્યું, જે સાબિત કરે છે કે ભારતે આ ટેકનોલોજીમાં વિશેષ કુશળતા મેળવી છે.
આ ડોકીંગ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને ભારતીય ડોકીંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સોમવારે આ સિદ્ધિ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ 16 જાન્યુઆરીના રોજ ભારતે બે ઉપગ્રહો – ચેઝર અને ટાર્ગેટને જોડીને પ્રથમ વખત ડોકીંગ પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. ભારત પહેલાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીને જ ડોકીંગ ક્ષમતા દર્શાવી હતી.
ભારતે ૧૩ માર્ચે ઇસરો દ્વારા અનડોકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ઉપગ્રહોનું બીજું ડોકીંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે તે જણાવતા આનંદ થાય છે તેમ લખી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે X પર પોસ્ટ કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે, PSLV-C૬૦/ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) મિશન ૩૦ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપગ્રહોને ડોકીંગ અને અનડોકીંગ કરવામાં આવ્યા હતા. આગામી બે અઠવાડિયામાં વધુ પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું છે. બે ઉપગ્રહો અથવા અવકાશયાનને એકબીજા સાથે જોડવાને ડોકીંગ કહેવામાં આવે છે અને અવકાશમાં જોડાયેલા બે અવકાશયાનને અલગ કરવાની ક્રિયાને અનડોકીંગ કહેવામાં આવે છે. દેશના મહત્વાકાંક્ષી લક્ષ્યોને પોતાના દમ પર પ્રાપ્ત કરવા માટે ડોકિંગ ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ધ્યેયોમાં ચંદ્ર પરથી નમૂનાઓ લાવવા ભારતીય અવકાશ મથક BSSનું નિર્માણ શામેલ છે.