કેન્દ્ર સરકારે બુધવારે દેશમાં હાજર પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકની અંદર દેશ છોડી દેવાની કડક ચેતવણી આપી હતી. આ કારણે ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જો કે ગુરુવારે એવી જાહેરાત થઈ હતી કે પાક નાગરિકોના વિઝા ૨૭ એપ્રિલ સુધી અને મેડિકલ વિઝા ૨૯ એપ્રિલ સુધી જ માન્ય રહેશે. જો ત્યારબાદ પણ રોકાશે તો ધરપકડ કરીને અટારી સીમા પર લઈ જવાશે ત્યાંથી એમને રવાના કરી દેવાશે. ત્યારે આ બાબતે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને પાકિસ્તાની નાગરિકોને અટારી બોર્ડર પર મોકલી રવાના કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે
૪૩૮ પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલાયા
કેન્દ્રસરકારના આદેશ બાદ ગુજરાતમાં પણ પાકિસ્તાનીઓને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રાજ્યમાંથી લોંગ ટર્મ વિઝા ધરાવનાર ૪૩૮ પાકિસ્તાની અને શોર્ટ ટર્મ વિઝા ધરાવનાર ૧૫ પાકિસ્તાની મળી આવ્યા છે. લોંગ ટર્મ વિઝા વાળા સૌથી વધુ અમદાવાદમાં ૭૭, જ્યારે કચ્છમાં ૫૩ અને સુરતમાં ૪૪ પાકિસ્તાન નાગરિક મળી આવ્યા છે. તો બીજી તરફ શોર્ટ વાળા સૌથી વધુ ભરૂચમાં 8, અમદાવાદમાં ૫ અને વડોદરામાંથી ૨ પાકિસ્તાન નાગરિક મળ્યા છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો પાસે ૧૪ એપ્રિલથી ૨૮ જૂન સુધીના વિઝા હતા. આ તમામ પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલી દેવામાં આવ્યા છે.
બળજબરીથી પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ
સરકારે ઈમિગ્રેશન વિભાગને ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોનો ડેટા માંગ્યો છે. ૪૮ કલાક પછી, દેશમાં રહેલા લોકોને બળજબરીથી પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ થશે. પાકિસ્તાનીઓને બહાર કાઢવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. કેન્દ્ર સરકારના નિર્દેશ પર, ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ આગામી ૪૮ કલાક સુધી ભારતમાં હાજર રહેલા પાકિસ્તાની નાગરિકો પર નજર રાખશે. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અને વિદેશી નોંધણી કચેરીઓને પૂછવામાં આવ્યું છે કે ભારતમાં કેટલા પાકિસ્તાની નાગરિકો છે અને તેમનું સ્થાન શું છે.
નિયમો અનુસાર, પાકિસ્તાની નાગરિકોએ વાઘા-અટારી સરહદ, રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ પાસે તેમની માહિતી નોંધાવવી પડે છે, જેમાં તેમના રોકાણનું સરનામું પણ શામેલ હોય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ ઇમિગ્રેશન ઓફિસો આજે સાંજ સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કરશે, જેમાં જણાવવામાં આવશે કે ભારતમાં કેટલા પાકિસ્તાની નાગરિકો છે અને કેટલા પાછા ફર્યા છે.