મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકવાદી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, હરિયાણા સહિત અનેક રાજ્યોના નિર્દોષ પર્યટકોનો ધર્મ પૂછીને જીવ લેવાની ઘટના પર વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આ વાત જ તદ્દન ખોટી છે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો કે, તેઓ દરેક પાસે જઈને તેનો ધર્મ પૂછે? વિજય વડેટ્ટીવારના આ નિવેદનની ચારેકોર ટીકા થઈ રહી છે. જ્યારે તેમના સમર્થકોએ તેમને સાથ આપ્યો છે.
વિજય વડેટ્ટીવારે પહલગામ હુમલામાં ધર્મ પૂછીને હત્યા કરવાની ઘટનાને ખોટી ઠેરવતાં નિવેદન આપ્યું હતું કે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો, કે, તેઓ દરેકના કાનમાં જઈને તેના ધર્મ વિશે પૂછે? ઘણા સાક્ષીઓએ કહ્યું કે, આવું કંઈ બન્યુ નથી. આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. આ મામલે જવાબદાર લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય. દેશવાસીઓની આ જ લાગણી છે. આ ઘટનાને કોઈ ધર્મનો રંગ આપવો ખોટું છે.
પહલગામની જવાબદારી તો સરકારે જ લેવી જોઈએ. ત્યાં સુરક્ષા કેમ ન હતી. અંતે ૨૦૦ કિમી સુધી આતંકવાદીઓ આવ્યા કેવી રીતે? શું તમારી ઈન્ટેલિજન્સ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે? પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તમે આ વાત પર ફોકસ કરી રહ્યા છો કે, ધર્મ પૂછીને માર્યા. શું આતંકવાદીઓ પાસે એટલો બધો સમય હતો કે, તેઓ લોકો પાસે જાય અને કાનમાં પૂછે કે, તમારો ધર્મ કયો છે. આ મામલાને અન્ય રૂપ આપવા કરતાં આતંકવાદીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરો.
કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ પહલગામ હુમલા પર નિવેદન આપવા બદલ વિવાદમાં મૂકાયા હતા. તેમણે કહ્યું હતું કે, આ હુમલો એટલા માટે થયો, કારણકે, મુસલમાનોમાં એવી લાગણીઓ જન્મી છે કે, તેમને નબળા પાડવામાં આવી રહ્યા છે. તેથી આ હુમલો થયો. વાડ્રાની આ વાતનો ખૂબ વિવાદ થતાં અંતે સ્પષ્ટતા આપવી પડી કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. હું એવુ કહેવા માગતો હતો કે, પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। જો કડક સુરક્ષા બંદોબસ્ત હોત તો હિન્દુ ધર્મ પર આ હુમલો થયો ન હોત.