અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવશે.
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ ૮૦૦થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને તર્કો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા એસઓજી ની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે ૪૦ થી ૫૦ બુલડોઝર અને ૪૦ થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.
ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા ૧૪ વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસ દ્વારા છેક હવે કાર્યવાહી કરવામાં આવતા લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે તંત્રના નાક નીચે વર્ષોથી આટલું ગેરકાયદે બાંધકામ કઈ રીતે ચાલતું હતું?