૧૦૦ ઠેકાણાં પર દરોડા, ૩,૦૦૦ થી વધુની પૂછપરછ…

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક (DG) સદાનંદ દાતે આજે શ્રીનગરથી દિલ્હી પરત ફરી શકે છે અને પહેલગામ આતંકવાદી હુમલા અંગેનો પ્રાથમિક અહેવાલ ગૃહ મંત્રાલયને સોંપી શકે છે. કેન્દ્ર સરકાર પહેલગામ આતંકી હુમલાને લઈને અત્યંત ગંભીર છે અને તપાસ એજન્સીઓને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી NIAની ટીમે પીડિત પરિવારોના નિવેદનો પણ નોંધ્યા હતા.

મળતી વિગતો અનુસાર તેમની મુલાકાત દરમિયાન ડીજી એનઆઈએએ બાઈસરન ખીણની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળ પર તપાસની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી જેમાં વર્તમાન સુરક્ષા સ્થિતિની સમીક્ષાની સાથે સાથે ગુપ્તચર તંત્રને મજબૂત કરવા અને સહિયારી માહિતીના વધુ સારા આદાન-પ્રદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

પહેલગામ આતંકી હુમલાના કાવતરા અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાને સંપૂર્ણપણે ઉજાગર કરવા માટે સુરક્ષા અને તપાસ એજન્સીઓ હુમલામાં સામેલ આતંકવાદીઓને શક્ય હોય ત્યાં સુધી જીવતા પકડવા પર ભાર મૂકી રહી છે. આ દરમિયાન, એનઆઈએએ અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શીઓના નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને પકડાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કરોની પૂછપરછમાં મળેલી માહિતીનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે જોડાયેલા લગભગ ૧૦૦ છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, પ્રતિબંધિત આતંકવાદી જૂથ અલ-ઉમર મુજાહિદ્દીનના સ્થાપક મુશ્તાક અહેમદ ઝરગર ઉર્ફે લટરામના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *