પહેલગામમાં થયેલા હુમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાઝ નથી આવી રહ્યું. પડોશી દેશ દ્વારા સતત ૧૦ મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ગત રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં નિયંત્રણ રેખા (એંઓસી) પર ગોળીબાર કર્યો હતો.
પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઈ રહ્યા છે. તેની અસર સરહદ પર પણ જોવા મળી રહી છે. પહેલગામ હુમલા અંગે ભારતની કાર્યવાહીથી ફફડી ગયેલું પાકિસ્તાન હજુ પણ સરહદ પરની પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. સતત ૧૦ મા દિવસે સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. મળતી વિગતો અનુસાર પાકિસ્તાની સેનાએ જમ્મુના પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અખનૂરથી લઈને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા સુધી નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારનો ભારતે પણ આકરો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાન દ્વારા એંઓસી પર સીઝ ફાયરના આ ઉલ્લંઘનનો ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ આ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો તાત્કાલિક અને અસરકારક રીતે જવાબ આપ્યો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં કોઈ બિનજરૂરી આક્રમણ નહોતું, પરંતુ પાકિસ્તાનના ગોળીબારનો “ચોક્કસ અને મજબૂત” જવાબ આપવામાં આવ્યો હતો.