રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આઇપીએસ તરીકેની ઓળખ આપી રોફ જમાવતા બોગસ આઇ.પી.એસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં સબંધી સારવારમાં હોવાથી લાંબી કતારમાં ઉભુ ન રહેવું પડે તેના માટે બી.એસ.સી બાયો ટેક્નોલોજી સુધીનો અભ્યાસ કરેલા શખ્સે આઇ.પી.એસ તરીકેનું બોગસ આઇકાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આ બોગસ આઇપીએસની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
રાજકોટ પોલીસનાં ઝાપતામાં રહેલા આ શખ્સનું નામ છે સંકેત રાજકુમાર મહેતા. આ શખ્સ પર આરોપ છે બોગસ આઇ.પી.એસ તરીકેની રાજકોટ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનાં હેલ્પ ડેસ્ક પર રોફ જમાવવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, છેલ્લા ચાર દિવસથી રાજકોટ સિવીલ હોસ્પિટલનાં કોરોના વોર્ડનાં હેલ્પ ડેસ્ક પર એક શખ્સ આઇ.પી.એસ તરીકેની ઓળખ આપીને લાઇનમાં ઉભા રહ્યા વગર રોફ જમાવતો હોવાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન આઇ.પી.એસ તરીકેનું આઇકાર્ડ બતાવીને કોરોના દર્દીઓના સબંધીઓની લાઇનમાં ઉભા રહ્યા વગર હેલ્પ ડેસ્કનાં કર્મચારીઓ સાથે રોફ જમાવતા આરોપી સંકેત મહેતાને પોલીસે દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી બોગસ આઇ.પી.એસ તરીકેનું આઇકાર્ડ મળી આવ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શા માટે બનાવ્યું બોગસ આઇપીએસનું આઇકાર્ડ?
પોલીસના કહેવા મુજબ, આરોપી સંકેત રાજકુમાર મહેતા બી.એસ.સી બાયો ટેક્નોલોજી સુધીનો અભ્યાસ કરેલો છે. જામનગરમાં નેસ્લે ઇન્ડીયા કંપનીમાં ન્યુટ્રીશ્યન ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. પોલીસ પુછપરછમાં તેને જણાવ્યું હતું કે, તેના બનેવીનાં કાકા રાજકોટ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેથી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓનો ઘસારો રહેતો હોય અને સબંધીઓને પણ હેલ્પ પર લાંબી કતારોમાં ઉભું રહેવું પડતું હોવાથી તેને લેપટોપમાં ગુગલની મદદથી આઇપીએસ અધિકારીનું આઇકાર્ડ સર્ચ કરીને પોતાનું નામ અને ફોટો લગાવીને બોગસ આઇકાર્ડ બનાવ્યું હતું.
છેલ્લા ચાર દિવસથી લાંબી કતારોમાં ઉભુ ન રહેવું પડે તે માટે આઇપીએસ ઓફિસર તરીકેની ઓળક આપીને મેડિકલ સ્ટાફ પર રોફ જમાવીને પોતાનાં સબંધીની સારવાર માટે નાટક કરતો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે. હાલ તો અસલી પોલીસે આ બોગસ આઇપીએસ અધિકારી તરીકેની ઓળખ આપતા સંકેત મહેતાને જેલના સળીયા ગણતો કરી દીધો છે. જોકે આ શખ્સે બોગસ આઇપીએસ તરીકેની ઓળખ આપી અન્ય કેટલા લોકોને પોતાની ખોટી ઓળખથી ભોગ બનાવ્યા છે તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.