પહલામગામમાં આતંકી હુમલા બાદ વડાપ્રધાન કાર્યાલયમાં બેક-ટુ-બેક બેઠકો ચાલી રહી છે. આ જ ક્રમમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમઓ પહોંચ્યા હતા. રાહુલ અને પીએમ મોદી વચ્ચે ખૂબ જ મહત્ત્વની બેઠક થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને નેતાઓ વચ્ચે નવા સીબીઆઈ પ્રમુખની ચૂંટણી અંગે વાતચીત થઈ હોવાની ચર્ચા છે, તો બીજીતરફ બંને નેતાઓ વચ્ચે પહલગામ હુમલા અંગે પણ ચર્ચા થઈ હોવાની અટકળો ચાલી રહી છે.
આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે થોડા સમય વાતચીત થયા બાદ ડોભાલ બહાર નીકળ્યા હતા. ત્યારબાદ ગૃહ સચિવ ગોવિંદ મોહને પણ પીએમઓ પહોંચી પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયમાં સતત મુલાકાતો થતા કંઈક મોટું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સતત બેઠકો કરી રહ્યા છે. તેમની અને અજિત ડોભાલ વચ્ચે થયેલી બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન મોદી અને ત્રણે સેનાઓના વડાઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. એવું કહેવાય છે કે, પીએણ મોદીએ સંરક્ષણ સચિવ સાથે મુલાકાત કરી તાજેતરની સ્થિતિ અને સૈન્ય તૈયારીઓનો તાગ મેળવ્યો છે.

