રાજ્યમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા તથા હોસ્પિટલમાં એડમિટ કેટલાક દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડી રહી છે. સુરતમાં સી.આર પાટીલ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરાઈ હોવાની જાણકારી અપાઈ હતી. આ મામલે હવે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. એકબાજુ કોંગ્રેસના ધારાસભ્યએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાસે 2500 ઈન્જેક્શ માગ્યા છે, ત્યારે રાજ્યસભા સાંસદ અને દિલ્હી, એ.આઈ.સી.સી પ્રભારી શક્તિસિંહ ગોહિલે પણ સરકાર અને ભાજપને આકરા સવાલ કર્યા છે.
ભાજપના એક નેતા મુખ્યમંત્રીથી વધારે વગદાર?
સાંસદ શક્તિસંહ ગોહિલે કહ્યું, જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રીશ્રી કરતા વધારે વગદાર હોય અને હજારો ઈન્જેકશન લાવી શકતા હોય તો તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફત વિતરણ કરવું જોઈએ. ઈન્જેક્શનોની યોગ્ય જાળવણી અને તાપમાન વગર અપાય તો નુકશાન કરી જાય માટે જ કાયદો છે કે, લાયસન્સ અને ક્વોલીફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ઈન્જેકશન/દવા વેચી કે વહેંચી ન શકાય. જે પાંચ હજાર ઈન્જેક્શનની જાહેરાત થયેલ છે તે કોને કોને અપાયા? તેનો પુરો ડેટા લાભાર્થીની વિગતો સાથે વેબસાઈટ પર જાહેર કરવો જોઈએ. નહીં તો થોડા વિતરણ અને પાછળના બારણેથી જાજા કાળા બજારમાં જવાની સંભાવના રહેશે.

સમગ્ર ઘટના ભાજપની આંતરિક લડાઈનો નમુનો
શક્તિસિંહ આગળ કહે છે, સમગ્ર ઘટના ભાજપની આંતરિક લડાઈનો નમુનો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રેમડેસિવીર ઈન્જેકશન પુરા પાડી શકતા નથી અને ભાજપના એક નેતા એક શહેર માટે હજારો ઈન્જેકશન મફતમાં આપવા લાવી શકે છે, તેવુ પ્રસ્થાપિત કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નિષ્ફળ અને નબળા છે તેવુ સાબિત કરવા માંગે છે તેમ સ્પષ્ટ દેખાય છે. નહીં તો પોતાની જ સરકારને ઈન્જેકશનો અપાવવા જોઈએ અને સરકારી તંત્ર મારફત પતાના આર્થિક યોગદાનથી પારદર્શક રીતે વિતરણ કરાવવું જોઈએ.
ઈન્જેક્શન માટે ફાંફાં
તેઓ વધુમાં કહે છે, રેમડેસિવિર ઈન્જેકશન માટે લોકો ફાંફાં મારી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ શહેરોમાં તેની વ્યવસ્થા થવી જોઈએ. જો રાજકીય પાર્ટી મારફત વિતરણ માટે ઈન્જેકશન આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય રાજકીય પાર્ટીને ઈન્જેકશન કેન્દ્ર કે રાજ્યની સરકાર ઉપલબ્ધ કરાવશે? ભૂતકાળમાં આજ સુરત ભાજપના કાર્યકર્તા અને પરિવાર શ્રમિકોને વતનમાં પરત જવાની ટિકિટના કાળા બજાર કરતા અને છેતરપિંડી કરતા હોય તેવા વિડીયો વાયરલ થતા હતા.

કોંગ્રેસે કરી રેમડેસિવિર ઈન્જેક્શનની માગણી
ડો. ચાવડાએ પત્રમાં લખ્યું છે, ગાંધીનગરના મારા મત વિસ્તારના કોરોના દર્દીઓ તેમજ તેઓના સ્વજનો દ્વારા અમારી પાસે રેમડેસિવિર ઈન્જેક્શનની માગણી કરાય છે. કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલને આશ્કા હોસ્પિટલમાં વેઈટિંગ છે. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે. તેથી ગાંધીનગર શહેર તથા જિલ્લાની જનતા ઈન્જેક્શન માગવા આવે છે. આથી અમે તાત્કાલિક 2500 ડોઝ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો આપવા વિનંતી કરીએ છીએ. આ ઈન્જેક્શનના જથ્થા મુજબ જે ફી આપવાની થતી હોય તે અમે ચુકવવા તૈયાર છીએ.

‘સી.આર પાટીલને વ્યવસ્થા કરી આપી, અમને પણ કરી આપો’
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, અમને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પક્ષના ગુજરાતના પ્રમુખ સી.આર પાટીલજીને 5000 જેટલા ડોઝની વ્યવસ્થા કરી આપી છે. તો અમને પણ 2500 જેટલા ડોઝની વ્યવસ્થા તાત્કાલિક અસરથી સરી આપવા વિનંતી સહ ભલામણ છે.
સરકારનો સી.આર પાટીલને ઈન્જેક્શન આપ્યાથી ઈનકાર
ઉલ્લેખનીય છે કે સામાન્ય નાગરિકોને રેમડેસિવિર ઈન્જેક્શન માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈતું હોય છે, એવામાં સી.આર પાટીલને 5000 ઈન્જેક્શન મળતા આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આજે સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે સવાલ કરાયો હતો. ત્યારે તેમણે કહ્યું હતું, સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.