જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : શોપિયાંમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, છેલ્લા 3 દિવસમાં 11 આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે થયેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાદીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાનું સૂચના મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે ગત દિવસોમાં ખીણમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

બે દિવસ પહેલા પણ શોપિયાંમાં એન્કાઉન્ટર
આ અગાઉ શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોએ મસ્જિદમાં છુપાયેલા 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓને પહેલા શરણાગતિ માટે કહેવામાં આવ્યું હતું. તેમને સમજાવવા માટે ઇમામ અને એક આતંકવાદીના ભાઈને મસ્જિદની અંદર મોકલવામાં આવ્યા હતા, પરંતુ આતંકવાદીઓ માન્યા ન હતા. ઘણા કલાકોની મહેનત બાદ સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા.

મસ્જિદને બચાવવા સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટર અટકાવવામાં આવ્યું હતું
જમ્મુ-કાશ્મીર પોલીસના IGએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમે મસ્જિદને કોઈ નુકસાન પહોંચાડવા ઈચ્છતા ન હતા. તેથી એન્કાઉન્ટર લાંબા સમય સુધી અટકી રહ્યું, પરંતુ જ્યારે આતંકવાદીઓ માન્યા નહીં ત્યારે કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં ત્રણ સુરક્ષા કર્મીઓ પણ ઘાયલ થયા છે.

ગુરુવારે 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા ગુરુવારે શોપિયાંના જનમોહલ્લા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઉપરાંત બુધવારે બપોરે ત્રણ વાગ્યે શોપિયા શહેરના ઇમામ સાહેબમાં આતંકીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયરિંગ બાદ અફરાતફરીનો ફાયદો ઉઠાવતા હુમલાખોરો નાસી છૂટયા હતા. 27 માર્ચે વનગામ ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા પણ 22 માર્ચ મનિહાલમાં આ કાર્યવાહીમાં જવાનો દ્વારા 4 આતંકીઓ માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *