પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે સાંજે ૦૪:૦૦ વાગે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઇ હતી અને ત્યારબાદ બ્લેક આઉટ થશે. બ્લેક આઉટ સાંજે ૦૭:૩૦ થી ૦૯:૦૦ વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાશે.
પૂર્વ ગુજરાતના સાત જિલ્લા ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. પશ્ચિમ ગુજરાતના ૫ જિલ્લા જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ સુધી બ્લેક આઉટ રહેશે. મધ્ય ગુજરાતના ૬ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં ૦૮:૩૦થી ૦૯:૦૦ વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે.
મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’