આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ ૧ અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. IMF દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી. શુક્રવારે ભારતે પાકિસ્તાનને ૧.૩ અબજ ડોલરની નવી લોન આપવાના IMFના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતે તેની પાછળનું કારણ ઇસ્લામાબાદના ‘નાણાકીય સહાયના ઉપયોગમાં ખરાબ રેકોર્ડ’ને ગણાવ્યું હતું. આ નાણાંનો દુરુપયોગ ટેરર ફંડિંગ માટે થઈ શકે છે. આ સંદર્ભમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત વિરોધ દર્શાવવા મતદાનથી દૂર રહ્યું હતું.
ભારતે કહ્યું કે, ‘સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને સતત પુરસ્કાર આપવાથી વૈશ્વિક સમુદાયને ખતરનાક સંદેશ મળે છે. તેનાથી નાણાકીય ભંડોળ આપનારી એજન્સીઓ અને દાતાઓની પ્રતિષ્ઠા પણ જોખમમાં મૂકાય છે અને વૈશ્વિક મૂલ્યોની મજાક ઉડાવાય છે.’



