IPLની 14મી સીઝનમાં રિષભ પંતની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સે આ લીગની પ્રથમ મેચને જીતી લીધી છે. આ મેચ મુંબઈમાં રમાઈ રહી હતી, જેમાં DCએ ધોનીની ટીમ CSKને 7 વિકેટે હરાવ્યું હતું. ધોની આ મેચમાં સાતમા ક્માંક પર બેટિંગ કરવા ઊતર્યો હતો. પરંતુ આ મેચમાં ધોની માત્ર 2 બોલમાં 0 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. DCના ફાસ્ટ બોલર આવેશ ખાને ધોનીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ધોની IPLમાં ચોથી વખત 0ના સ્કોર પર આઉટ થયો હતો.
આ મેચમાં ઘણા વળાંકો આવ્યા હતા. શરૂઆતમાં ટોસ હારીને ચેન્નઈની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઊતરી હતી. જેમાં તેમની પહેલી 2 વિકેટો તો માત્ર 7 રનમાં પડી ગઈ હતી. ત્યાર પછી ચેન્નઈની ટીમને મોઈન અલી અને સુરેશ રૈનાએ મળીને સંભાળી હતી. CSKએ DCને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હીની શરૂઆત ઘણી સારી રહી હતી. ઓપનર શિખર ધવન અને પૃથ્વી શૉએ 61 બોલમાં 100 રનની ભાગીદારી નોંધાવીને જીત તરફ ટીમને અગ્રેસર કરી દીધી હતી.
આ દરમિયાન ચેન્નઈની ટીમ પાસે મેચમાં પ્રભુત્વ બનાવવાના ઘણા અવસરો પણ આવ્યા હતા. જેમાં CSKના ફીલ્ડર્સે પૃથ્વી શૉના 2 કેચ છોડ્યા હતા, જો તેઓએ આ તકનો લાભ ઉઠાવ્યો હોત તો આજે મેચનું પરિણામ કદાચ ચેન્નઈના પક્ષમાં ગયું હોત.
રૈનાએ IPLમાં પોતાના કારકિર્દીની 39મી અડધી સદી ફટકારી. સૌથી વધુ 50 રન બનાવવામાં રૈનાએ વિરાટ અને રોહિતની બરાબરી કરી લીધી છે. ત્રણેય સંયુક્તરૂપે ત્રીજા નંબર પર છે. IPLમાં સૌથી વધુ ફિફ્ટી ડેવિડ વોર્નરના નામે છે, એણે અત્યાર સુધી 48 વખત અડધી સદી મારી છે. શિખર ધવન આ લિસ્ટમાં 42 ફિફ્ટીની સાથે બીજા નંબર પર છે.
189 રનના ટાર્ગેટને સરળતાથી DCએ 3 વિકેટના નુકસાન પર 190 રન બનાવીને ચેઝ કરી લીધું હતું. આ મેચમાં ઓપનર શિખર ધવને 54 બોલમાં 85 રન અને પૃથ્વી શૉએ 38 બોલમાં 72 રન માર્યા હતા.