વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે જીતનો દાવો કરવો એ તેમની જૂની આદત છે, ૧૯૭૧, ૧૯૭૫ અને ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ દરમિયાન તેમણે આ જ રાગ આલાપ્યો હતો. આ પાકિસ્તાનનું જૂનું વલણ છે. પરાસ્ત થઇ જાવ પણ ઢોલ વગાડો.
ભારતે મંગળવારે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર પર તેનું વલણ પહેલાની જેમ જ સ્પષ્ટ છે. આ મામલો સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તેનો ઉકેલ લાવવો જોઈએ.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્વીકાર્યું કે પાકિસ્તાન સામેના લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારત અમેરિકા સાથે સતત સંપર્કમાં હતું, પરંતુ આ સમયગાળા દરમિયાન ટ્રેડ પર કોઈ વાતચીત થઈ નથી. જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે ૭ મે થી ૧૦ મે દરમિયાન વાતચીત થઈ હતી, પરંતુ ટ્રેડને પર કોઈ ચર્ચા થઈ ન હતી.
રણધીર જયસ્વાલે કહ્યું કે અમારી લાંબા સમયથી ચાલી આવતી રાષ્ટ્રીય સ્થિતિ એ રહી છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા કોઈપણ મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવો પડશે. આ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાન સાથે ભારતનો એકમાત્ર બાકી મુદ્દો ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશની વાપસી છે. જયસ્વાલે જણાવ્યું હતું કે બાકી રહેલો મુદ્દો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય ક્ષેત્રને ખાલી કરવાનો છે.