પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત–પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ પાકિસ્તાનની એક અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આતંકવાદને આશરો આપનારા દેશને નાણાકીય સહાય કરતાં વિશ્વભરમાં આઈએમએફની ટીકા થઈ હતી. જો કે, આઈએમએફએ આ લોનનો પહેલો હપ્તો જારી કરતાં પહેલાં જ ૧૧ નવી શરતો મૂકતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને મોટી લોન આપ્યા પછી આઇએમએફ કદાચ પોતાના નાણાં અટવાઈ જવાનો ભય અનુભવી રહ્યું છે. જેથી આઇએમએફ એ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો રજૂ કરતાં પહેલાં જ પાકિસ્તાન પર ૧૧ નવી શરતો લાદી છે. આ સાથે પાકિસ્તાન પર કુલ શરતો વધીને ૫૦ થઈ છે. આઇએમએફ દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં.
ભારત અને પાકિસ્તાનન વચ્ચે જ્યારે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા હતા, ત્યારે આઈએમએફએ પાકિસ્તાનની ૧ અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આ સાથે આઇએમએફ એ હાલના ૭ અબજ ડોલરના બેલઆઉટ પેકેજ હેઠળ પાકિસ્તાન માટે ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન માટે ૧.૪ અબજ ડોલરની વધારાની રકમ પણ મંજૂર કરી છે. આમ આઇએમએફ તરફથી પાકિસ્તાનને કુલ ૨.૫ અબજ ડોલરની સહાય મળી હતી. આ સહાયથી વિશ્વભરમાં આઇએમએફ સામે રોષ જોવા મળ્યો હતો.
આઇએમએફ દ્વારા લાવવામાં આવેલી નવી શરતો પર નજર કરીએ, તો તેમાં સંસદ દ્વારા ૧૭.૬ લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ ફેડરલ બજેટને મંજૂરી આપવાનો છે, વીજળીના બિલ પર ઊંચો સરચાર્જ લાદવાની શરત પણ મૂકવામાં આવી છે. હાલમાં, પાકિસ્તાનના આયાત નિયમો ફક્ત ૩ વર્ષ સુધી જૂની કારની આયાતને મંજૂરી આપે છે, તેને ૫ વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. વધુમાં, સરકારે ૨૦૩૫ સુધીમાં સ્પેશિયલ ટેક ઝોન અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે પ્રોત્સાહનો તબક્કાવાર બંધ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવો પડશે. તેનો અહેવાલ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો છે.
એનર્જી સેક્ટર માટે પણ શરતો
- ૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં વાર્ષિક વીજળીના દરમાં સુધારો કરવાની સૂચના જારી કરવી.
- ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં અર્ધવાર્ષિક ગેસ ટેરિફ સમાયોજન.
- મે મહિનાના અંત સુધીમાં કેપ્ટિવ પાવર લેવી વટહુકમ લાગુ કરવા માટે કાયમી કાયદો લાવવો.
- જૂનના અંત સુધીમાં ડેટ સર્વિસ સરચાર્જ પર પ્રતિ યુનિટ રૂ. ૩.૨૧ મર્યાદા દૂર કરવી.
આઇએમએફ ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનનું આગામી સંરક્ષણ બજેટ ૨,૪૧૪ અબજ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા ૧૨ % વધુ છે, પરંતુ તાજેતરમાં શાહબાઝ શરીફ સરકારે આ મહિનાની શરૂઆતમાં તેમાં ૨,૫૦૦ અબજ રૂપિયા એટલે કે ૧૮ % વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે આઇએમએફ ના રાજકોષીય સંતુલન લક્ષ્યની વિરુદ્ધ છે. સંસદને આઇએમએફ લક્ષ્યોને અનુરૂપ જૂન ૨૦૨૫ સુધીમાં ૨૦૨૬ નું બજેટ પસાર કરવા જણાવ્યું છે.