મણિપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું હતું કે ભારતીય સમય મુજબ મણિપુરમાં સવારે ૦૧:૫૪ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ હતી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો તેમના ઘરોમાં સૂઈ રહ્યા હતા. અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્ર ૨૪.૪૬° ઉત્તર અક્ષાંશ અને ૯૩.૭૦° પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ ૪૦ કિલોમીટર નોંધાઈ છે.
મ્યાનમારના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા
જોકે, તેની બાદ રાત્રે જ ૦૨:૨૬ વાગ્યે ભૂકંપનો બીજો આંચકો પણ અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ ની હતી. આ ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને પડોશી દેશ મ્યાનમારના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, હાલમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.