મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ.
ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે અને ૨૩ જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ તરફ હવે જુનાગઢની વિસાવદર પેટાચૂંટણીને લઈ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાશે. આ સાથે ઉત્તર ગુજરાતની કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પણ આજે સેન્સ પ્રક્રિયા યોજાશે.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાશે. નિરીક્ષકો જિલ્લા કાર્યાલય ખાતે ઉમેદવારોને લઈને ચર્ચા થશે. વિગતો મુજબ આજે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. જેમાં ખાસ કરી પેટાચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છુક કાર્યકર્તાઓ દાવેદારી કરશે. જે બાદમાં મોવડી મંડળ દ્વારા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભાજપે વિસાવદર માટે કમલેશ મીરાની અને જયેશ રાદડિયાની પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે.
વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી છે. અહીં હાલ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરાયા છે. જોકે હજી સુધી ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા નથી. સૂત્રો મુજબ ભાજપ દ્વારા જે-તે સમયે પેટાચૂંટણીમાં ટિકિટ માટે ભૂપત ભાયાણીને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું તેથી તેમને ટિકિટ મળવાની શક્યતાઓ સહેજ વધારે છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયા પણ ઉમેદવાર હોઈ શકે છે.


હવે જો આપણે કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે હરેશ ચાવડા, રમેશ સોલંકી અને પ્રહલાદ પરમાર નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે જ્યારે સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ જાણી શકાશે કે, આ બેઠક પર ભાજપ કોને ટિકિટ આપે છે. આ તરફ કોંગ્રેસમાંથી પ્રવિણ પરમાર, પ્રહલાદ વાઘેલા અને રમેશ ચાવડાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે અગાઉ વાત કરી એમ અહીં કોંગ્રેસ ધારાસભ્ય મેવાણીએ કડીની જવાબદારી સ્વીકારવાની ના પાડતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. આ સાથે આમ આદમી પાર્ટી પણ વિસાવદરની જેમ કડીમાં પણ પોતાનો ઉમેદવાર જાહેર કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. જોકે હજી સુધી AAP દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરાયા નથી.
ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે અને ૨૩ જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.