ભારતમાં કોવિડ-૧૯ ના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે. આજે, ૧ જૂન ૨૦૨૫ ના રોજ સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ ૩,૭૫૮ સક્રિય કેસ નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે ગઈકાલથી કુલ ૩૬૩ નવા કેસ ઉમેરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કર્ણાટક અને કેરળમાં એક-એક એમ કુલ બે મૃત્યુ પણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ-૧૯ ડેશબોર્ડ અનુસાર, ૧ જૂન, ૨૦૨૫ સુધીમાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ૩,૭૫૮ પર પહોંચી ગઈ છે, જે એક દિવસ અગાઉના ૩,૩૯૫ કેસ કરતા વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં બે મૃત્યુ પણ નોંધાયા છે, જેમાં કર્ણાટક અને કેરળમાંથી એક-એક મૃત્યુનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં ૬૩ વર્ષીય પુરુષનું નિધન થયું છે. તેઓ પલ્મોનરી ટીબી, બક્કલ મ્યુકોસાના સ્ક્વામસ સેલ કાર્સિનોમાથી પીડાઈ રહ્યા હતા અને આકસ્મિક રીતે કોવિડ-૧૯ પોઝિટિવ પણ હોવાનું જણાયું હતું. કેરળમાં રવિવારે ૨૪ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. કોવિડ-19 ઉપરાંત, તેઓ સેપ્સિસ હાઈપરટેન્શન અને ડીસીએલડી (વિઘટનિત ક્રોનિક લીવર રોગ) થી પણ પીડાતા હતા. આંકડામાં થયેલો આ વધારો ફરી એકવાર લોકોને સાવચેતી રાખવા અને કોવિડ-૧૯ ના સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવા માટે જાગૃત કરી રહ્યો છે.
કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ
કોરોનાના કેસની રાજ્યવાર સ્થિતિની વાત કરવામાં આવે તો કેરળ સૌથી વધુ સક્રિય કેસ ધરાવતું રાજ્ય બની ગયું છે, જ્યાં ૧૪૦૦ સક્રિય કેસ નોંધાયા છે. ગઈકાલથી તેમાં ૬૪ નો વધારો થયો છે. જ્યારે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે, જ્યાં ૪૮૫ સક્રિય કેસ છે, અને ગઈકાલથી તેમાં ૧૮ નો વધારો થયો છે. દિલ્હી માં ૪૩૬ સક્રિય કેસ છે, જેમાં ૬૧ કેસનો વધારો થયો છે. ગુજરાત માં ૩૨૦ સક્રિય કેસ નોંધાયા છે, જેમાં ગઈકાલથી ૫૫ નો વધારો જોવા મળ્યો છે. કર્ણાટક માં ૨૩૮ સક્રિય કેસ છે, જેમાં ૪ કેસનો વધારો થયો છે. અહીં એક મૃત્યુ પણ નોંધાયું છે. પશ્ચિમ બંગાળ માં ૨૮૭ સક્રિય કેસ છે, જ્યારે તમિલનાડુ માં ૧૯૯ અને ઉત્તર પ્રદેશ માં ૧૪૯ સક્રિય કેસ છે.