ઘણા લાંબા સમયથી જેની રાજ જોવાઈ રહી છે તે નવા જંત્રી દરની ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. રાજ્યના મહેસુલ વિભાગે જરૂરી સુધારાઓ બાદ નવી દરખાસ્ત મુખ્યમંત્રી પાસે મોકલી દીધી છે અને આ અઠવાડિયે તેની ગમે ત્યારે તેની જાહેરાત થઇ શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, જંત્રી દર વાર્ષિક ૧૦ % થી ૨૦ % વધશે. જોકે, સૂચિત દર ઘટાડવામાં આવશે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. કેટલાક સ્થળોએ જ્યાં શરૂઆતમાં સાત ગણા વધુ દર પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, ત્યાં આ દર વર્તમાન સ્તર કરતા ત્રણથી ચાર ગણા ઘટાડી દેવામાં આવશે.જાણકાર સુત્રો એવું પણ કહે છે કે, તાત્કાલિક વધારો લાગુ કરવાને બદલે, મહારાષ્ટ્ર પેટર્નને અનુસરીને જંત્રી દર ત્રણ વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે વધશે.

૨૦૨૩ ની શરૂઆતમાં સરકારે ૨૦૧૧ ની તુલનામાં જંત્રી દર બમણા કર્યા હતા અને નવેમ્બર ૨૦૨૪ માં નવા દર જાહેર કર્યા હતા. આ સુધારેલા દર ખૂબ જ વધારે હતા. સરકારે ડિસેમ્બર ૨૦૨૪ સુધી જંત્રીને લઈ કોઈ વાંધા સૂચન હોય તો જણાવવા કહ્યું હતું, પછી આ સમય મર્યાદા લંબાવીને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ કરી હતી. નવા જંત્રી દરના અમલીકરણને લઈ અંતિમ નિર્ણય બાકી છે. સરકારે ૨૦૨૫-૨૬ ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને જંત્રી દરોમાં વધારો આયોજિત પ્રોજેક્ટ્સને અસર કરી શકે તેવી પ્રબળ શક્યતા છે.

ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.
ટલાક સ્થળોએ, જંત્રીના મૂલ્યો ૬૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ત્રણ વર્ષમાં, આ વધારો ૧ લાખ રૂપિયા સુધી વધી શકે છે, અધિકારીઓએ જણાવ્યું છે કે ધીમે ધીમે વધારાથી ઉદ્યોગ પર ગંભીર અસર થશે નહીં.નવા જંત્રી દરો ૨૦ નવેમ્બરના રોજ ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સરકારે સૂચનો અને વાંધાઓ મંગાવ્યા હતા. પરામર્શ સમયગાળો પૂર્ણ થયો છે, જેનાથી અંતિમ અમલીકરણનો માર્ગ મોકળો થયો છે.