બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી ની વિક્ટ્રી પરેડ પહેલા થયેલી નાસભાગની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મૃત્યુ અને ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા બાદ હવે વિપક્ષે કર્ણાટક સરકારને ઘેરી છે. ભાજપે આ ઘટનાને સરકારી નિષ્ફળતા અને રાજકીય લાલસાનું પરિણામ જાહેર કરી દીધું. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘આ ફક્ત નાસભાગ નથી, પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના હતી.
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ‘દરરોજ રાહુલ ગાંધીસેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મજાક કરે છે. પરંતુ, જ્યારે આટલા લોકો એક દુર્ઘટનામાં મોતને ભેટે ત્યારે રાહુલ ગાંધી ક્યાં છે?’
ભાજપે રાહુલ ગાંધી પાસે માંગ કરી કે, તેઓ આ અકસ્માત પર તુરંત કાર્યવાહી કરે અને કકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમારને દિલ્હી બોલાવે.
ઘટનાને લઈને સવાલ પૂછતા ભાજપે કહ્યું કે, ‘૩ લાખ લોકો ઘટનાસ્થળે કેવી રીતે પહોંચી ગયા? શું તેમના માટે મંજૂરી લેવામાં આવી હતી? જ્યારે પોલીસે મંજૂરી નહતી આપી તો આ વિક્ટ્રી પરેડનું આયોજન કેવી રીતે થયું?
ભાજપે કહ્યું કે, આઈપીએલ ચેરમેન અરૂણ ધુમલ ખુદ કહી રહ્યા છે કે, આ કાર્યક્રમ વિશે કોઈ જાણકારી નથી. એ જણાવે છે કે, આયોજનમાં કોઈ વ્યવસ્થા નહતી.
ભાજપે સવાલ કર્યો કે, જ્યારે એક્ટર અલ્લુ અર્જૂનની નાસભાગ થતા ધરપકડ કરવામાં આવી હતી, તો પછી આ મામલે ડી.કે શિવકુમાર અને સિદ્ધારમૈયા પર કાર્યવાહી કેમ ન થવી જોઈએ? આ કાર્યક્રમમાં ૨૫૦૦૦ વધુ ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું, જેનાથી ભીડ અનિયંત્રિત થઈ ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ. અમારી માંગ છે કે, આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
નાસભાગને લઈને ઊભા થયેલા સવાલો વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં મૃતકોના પરિવાર માટે વળતર અને ઈજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી છે. જોકે, તેમણે ભીડ અને વ્યવસ્થામાં ચૂકને લઈને થતી ટીકાઓને ટાળતા કહ્યું કે, ‘આવી ઘટના અનેક જગ્યાએ થાય છે. હું તુલના કરીને તેને યોગ્ય નથી કહેતો. કુંભ મેળામાં ૫૦-૬૦ લોકોના મોત નિપજ્યા પરંતુ, અમે ત્યારે ટીકા નહતી કરી. શું મેં કે કર્ણાટક સરકારે ત્યારે કંઈ કહ્યું હતું?’
મુખ્યમંત્રીના આ નિવેદન પર વરિષ્ઠ ભાજપ નેતા પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, ‘કુંભ અને આ ઘટનાની તુલના ન થઈ શકે. જ્યારે પોલીસ મંજૂરી નથી આપતી તો સરકારે કાર્યક્રમ કેમ કરાવ્યો? મોત બાદ પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ઉજવણી કરી, નાયબમુખ્યમંત્રી તો સ્વાગતમાં પણ ગયા. સેલ્ફી ક્લિક કરવામાં વ્યસ્ત હતા, કોઈને સામાન્ય જનતાની ચિંતા નથી. સરકાર અસંવેદનશીલ છે, તેથી આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ.’