મોનેટરી પોલિસી રિવ્યૂ મીટીંગ બાદ પત્રકારો સાથે વાત કરતા, આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ૨.૫ લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન પર લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયો વધારીને ૮૫ % કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ રકમમાં વ્યાજની રકમ પણ સામેલ હશે. જેથી એવુ કહી શકાય કે હવે સોના પર વધુ લોન મળશે. અગાઉ, ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં એલટીવી વધારીને ૭૫ % કરવાનો પ્રસ્તાવ હતો. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ પાસે તેના સોનાનું બિલ ન હોય, તો પણ તે ગોલ્ડ લોન મેળવી શકશે. આ માટે એક ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે.
આરબીઆઈ ગવર્નરે ખાતરી આપી હતી કે આ ફક્ત એક ડ્રાફ્ટ પ્રસ્તાવ છે. તેને લાગુ કરતા પહેલા સ્ટોકહોલ્ડર્સ સાથે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, તેની અસરનું પણ એનાલિસિસ કરવામાં આવશે. આ પછી જ તેનો અમલ કરવામાં આવશે.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ નિયમોમાં કંઈ નવું નથી. બધા જૂના નિયમોને તેમાં એકીકૃત કરવામાં આવી રહ્યા છે. કારણ કે કેટલીક સંસ્થાઓ આ નિયમોનું પાલન કરતી ન હતી, તેથી તેમને નવા નિયમો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.
નાણા મંત્રાલયે આરબીઆઈ ને ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી આ નિયમો લાગુ કરવા કહ્યું છે. તેની ભલામણોમાં, નાણા મંત્રાલયે આરબીઆઈ ને નાની ગોલ્ડ લોન લેનારાઓને કોઈ સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું.
નાણા મંત્રાલયે ભલામણ કરી હતી કે આ પ્રસ્તાવિત માર્ગદર્શિકામાંથી ૨ લાખ રૂપિયાથી ઓછી ગોલ્ડ લોન લેનારાઓને બહાર રાખવામાં આવે જેથી તેમને ઓછા સમયમાં લોન મળી શકે.
આરબીઆઈ એ એપ્રિલમાં ગોલ્ડ લોન સંબંધિત ડ્રાફ્ટ જારી કર્યો હતો અને ૧૨ મે સુધીમાં સ્ટોકહોલ્ડર્સ પાસેથી તેના પર સૂચનો માંગ્યા હતા. પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે ગોલ્ડ લોન પર લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયો ૭૫ % થી વધુ ન હોવો જોઈએ. એટલે કે, લોનની રકમ ગીરવે મૂકેલા સોનાના મૂલ્યના ૭૫ % થી વધુ ન હોવી જોઈએ.