ગુજરાતમાં “હેલ્થ ઇમરજન્સી” ના અણસાર : હાઇકોર્ટનો ફરી સુઓમોટો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દરરોજ કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો આજે દાખલ કર્યો છે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બી.ડી. કારિયાની ખંડપીઠ આવતીકાલે સોમવારે આ અંગે વધુ સુનાવણી હાથ ધરશે. કોર્ટે નોંધ્યું છે કે ગત કેટલાંક દિવસોના સમાચાર અહેવાલો પરથી લાગી રહ્યું છે કે ગુજરાત સ્વાસ્થય કટોકટી એટલે કે હેલ્થ ઇમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે.

હાઇકોર્ટે નોંધ્યું છે કે કોરોનાની નવી લહેર અંગે ગત અઠવાડિયે કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો અને સરકારે વિવિધ પગલાંઓ અંગે રજૂઆત કરી હતી. જો કે ગત કેટલાંક દિવસોના સમાચાર અહેવાલો પરથી લાગી રહ્યું છે કે રાજ્ય હવે હેલ્થ ઇમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે.

જેથી આ સમાચારો હવે નજરઅંદાજ કરી શકાય તેમ નથી અને કોર્ટે હવે હસ્તક્ષેપ કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. માધ્યમો અત્યારે ભયાનક બનાવોથી ભરચક છે. દુર્ભાગ્યપૂર્ણ અને અકલ્પનીય બનાવો બની રહ્યા છે.

ઇન્ફ્રસ્ટ્રક્ચરની દુર્ગમ પરિસ્થિતિમાં અત્યારે આઇ.સી.યુ., બેડ અને ટેસ્ટિંગની અછત તો છે  જ પરંતુ ઓક્સિજન સપ્લાય અને રેમડિસિવિર જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ વર્તાઇ રહ્યો છે.

જેથી કોરોનાની નિરંકુશ નવી લહેર અને વ્યવસ્થાપનના ગંભીર મુદ્દાઓને ટાંકી સુઓમોટોની સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. કોરોના વ્યવસ્થાપન સાથે જોડાયેલા ટોંચના અધિકારીઓને હાઇકોર્ટે સૂચન કર્યુ છે કે તેઓ આવતીકાલની સુનાવણીનું પ્રસારણ જોવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *