વર્લ્ડ નંબર-વન સિનરને પાંચ કલાક, ૨૯ મિનિટના મુકાબલામાં છેવટે હરાવ્યો
સ્પેનના વર્લ્ડ નંબર-ટૂ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝે અહીં રવિવારે ફ્રેન્ચ ઓપન ની ઐતિહાસિક ફાઈનલમાં ઇટલીના વર્લ્ડ નંબર-વન યાનિક સિનર (જાનિક સિનર) સામે વિજય મેળવીને સતત બીજા વર્ષે આ ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયનશિપનું ટાઈટલ મેળવી લીધું હતું.
ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય (પાંચ કલાક, ૨૯ મિનિટ) સુધી ચાલેલી આ ફાઇનલમાં અલ્કારાઝે સિનરને ૪-૬, ૬-૭ (૪-૭), ૬-૪, ૭-૬ (૭-૩), ૭-૬ (૧૦-૨)થી હરાવીને ૨૦૨૪ નું ટાઈટલ ડિફેન્ડ કર્યું હતું.
ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં આ પહેલી ફાઇનલ હતી જે પાંચ કલાક કરતાં વધુ સમય સુધી ચાલી હતી.
યાનિક સિનર અહીં ક્લે કોર્ટ પરની ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પહેલી વખત જીતવા માગતો હતો જેમાં તે નિષ્ફળ ગયો એ ઉપરાંત આ મુકાબલા દરમ્યાન તે ગ્રેન્ડ સ્લેમ ટૂર્નામેન્ટોમાં સતત ૩૧ સેટ જીતવાનો સિલસિલો પણ ચાલુ નહોતો રાખી શક્યો.
ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં
પહેલા ચાર સેટમાં બન્ને સર્વોત્તમ ખેલાડીએ ટાઈ-બ્રેકથી એક-એક સેટ જીતી લીધો હતો. પ્રથમ-બીજો સેટ સિનરે અને ત્રીજો-ચોથો સેટ અલ્કારાઝે જીતી લેતાં મુકાબલો પાંચમા અને નિર્ણાયક સેટ સુધી ખેંચાયો હતો. અંતિમ સેટમાં પણ અલ્કારાઝે ટાઈ-બ્રેકમાં ૧૦-૨ થી રોમાંચક જીત હાંસલ કરી હતી.
૨૩ વર્ષનો સિનર બે વખત ઑસ્ટ્રેલિયન ઓપનના અને એક વખત યુએસ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીત્યો છે, પણ રોલાં ગૅરો ક્લે કોર્ટ પર ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહેલી જ વાર પહોંચીને ટાઇટલ જીતવા માગતો હતો. જોકે તેનું સપનું અધૂરું રહી ગયું છે. તેની પાસે હજી સુધી વિમ્બલ્ડનનો પણ એકેય તાજ નથી જે તેને ૩૦ મી જૂને શરૂ થનારી આ સ્પર્ધામાં જીતવાની તક મળશે. ૨૦૨૩ માં તે વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં હારી ગયો હતો.
બાવીસ વર્ષનો અલ્કારાઝ ૨૦૨૪ માં ફ્રેન્ચ ઓપન પહેલી વાર જીત્યો હતો અને તેને આ વખતે એ ટાઇટલ ડિફેન્ડ કરવાની તક હતી જે તેણે ઐતિહાસિક ફાઈનલમાં ઝડપી લીધી.
સ્પૅનિશ ટેનિસના શહેનશાહ અને ક્લે કોર્ટ ટેનિસના સરતાજ રાફેલ નડાલના શિષ્ય અલ્કારાઝ પાસે હવે કુલ પાંચ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ છે જેમાં બે ફ્રેન્ચ ઓપન ઉપરાંત બે વિમ્બલ્ડનના અને એક યુએસ ઓપનના ટાઇટલનો સમાવેશ છે. રવિવારે તેણે પહેલી વખત મૅચમાં પહેલા બે સેટ હારી ગયા પછી ત્રણ સેટ જીતીને મૅચમાં વિજય મેળવ્યો.
મહિલાઓમાં શનિવારે અમેરિકાની ૨૧ વર્ષની કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પહેલી વાર જીતી હતી. તેણે ફાઇનલમાં કટ્ટર હરીફ બેલારુસની અરીના સબાલેન્કાને ૭-૬ (૭-૫), ૨-૬, ૬-૪ થી હરાવી દીધી હતી.
