આ ઘટના જ્યાં બની તે ગ્રાઝ શહેર આ દેશનું બીજું સૌથી મોટું શહેર છે. અહીંની વસ્તી લગભગ ૩ લાખ જેટલી છે. આ ઘટના બાદ લોકો ગભરાઇ ગયા છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રિયાથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક સ્કૂલમાં હુમલાખોર દ્વારા ભીષણ ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં ૧૦ લોકોના મોતના સમાચાર છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ ત્યાંના એક સ્થાનિક અખબારને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં મંગળવારે એક શૂટરે સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ૧૦ લોકોના મોત થયા છે.
હુમલાખોરે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી અને તેનું મોત નીપજ્યું છે. આ સાથે જ ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે કેટલા લોકોના મોત થયા છે તેની પુષ્ટિ કરી નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે આ ઘટના કોણે અને શા માટે કરી તે અંગે કોઈ માહિતી નથી.
ઓસ્ટ્રિયાની પોલીસના જણાવ્યા અનુસાર તેમને સવારે ૧૦:૦૦ વાગ્યે આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. સ્કૂલ બિલ્ડિંગની અંદરથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્કૂલને ખાલી કરાવી તમામને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. જોકે તેમાં ૧૧ લોકોના મોત થયા હતા.