અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે ૦૧:૩૮ વાગે ટેક ઓફ થયું હતું અને ૦૧:૪૦ વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી.
અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ૨૫ થી ૩૯ મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ૦૧:૩૮ વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થઇ ગયા છે.
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં ૨૦૦ થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.