અમદાવાદ પ્લેન ક્રેશ: યાત્રીઓના સ્વજનો માટે રહેવા-વાહનવ્યવહારની સુવિધા, હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાના જે પ્રવાસી/હતભાગીઓના મૃતદેહો અહીં છે, તેમના ડીએનએ મેચ થયા બાદ સગાઓને સોંપવામાં આવશે. હાલ ડીએનએ લેવાની પ્રક્રિયા શરૂ છે. સેમ્પલ લીધા બાદ મેચિંગ લેબ માટે મોકલવામાં આવશે. જોકે, ઘટનાની ગંભીરતા અને મૃતદેહોની સ્થિતિ જોતા સમગ્ર ડીએનએ મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3 દિવસથી વધુનો સમય લાગી શકે છે. મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનો ૫૩૫૭૩૭૩૮૩૧ અને ૬૩૫૭૩૭૩૮૪૧ પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો અને આટલા લોકોને ગુમાવ્યાં બાદ હું આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના.
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે ડીએનએ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે. આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે-ધીમે મૃતકોની ઓળખ મુજબ, મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. આ મૃતદેહોમાં બી. જે. મેડિકલ કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હૉસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર છે. આ સાથે પીએમ મોદી સિવિલ હૉસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદી