કોરોનાની સારવાર માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનનું સુરત ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગત શુક્રવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જાહેરાત કરી હતી કે ભાજપ સુરતમાં પાંચ હજાર રેમડેસિવિરનાં ઇન્જેક્શન વહેંચશે. એક તરફ ગુજરાતમાં અછત છે, જ્યારે બીજી તરફ ભાજપના સુરત યુનિટે ગણતરીના કલાકોમાં જ રેમડેસિવિરનાં ઇન્જેક્શન વહેંચવાની શરૂઆત કરી દીધી હતી.
રેમડેસિવિર ઇન્જેક્શન સુરત ભાજપ દ્વારા વહેંચવામાં આવી રહ્યાં છે, તેને લઈને અનેક પ્રશ્ન ઊભા થયા છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપ પાસે મોટા પ્રમાણમાં ઇન્જેક્શનો આવ્યાં ક્યાંથી? એક ઝાટકે પાંચ હજાર ઇન્જેક્શન આવતાં ભાજપ પર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
આ ઉપરાંત ભાજપ પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં પણ તે દવા કેવી રીતે વહેંચી રહ્યો છે, તે અંગે પણ લોકો પ્રશ્ન કરી રહ્યા છે.
કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર કહે છે કે શું ‘કમલમ્ (ભાજપ મુખ્યાલય)’ ફાર્માસ્યુટિકલ કંપની છે?
ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટર પર લખ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવી અને તેનું વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું એ ડ્રગ અને કૉસ્મેટિક કાયદો 1940ના 18મા સૅક્શનનો ભંગ છે.
તેમણે કહ્યું કે અમે એફડીસીએને રજૂઆત કરીએ છીએ કે ફૂડ અને ડ્રગના કાયદાના 27મા સૅક્શન હેઠળ સપ્લાયર અને વેચાણકર્તાની સામે કાર્યવાહી કરે.
તેમણે વધુમાં પૂછ્યું હતું કે આ કાયદો માત્રને માત્ર નાના વેપારીઓને જ લાગુ પડે છે?
અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો કે શું એફડીસીએના ઇન્સ્પેક્ટર આ જગ્યાએ રેઇડ પાડશે અને જીવ બચાવતી મેડિસિનની ગેરકાયદેસર ખરીદી, સ્ટોરેજ અને વેચાણ બદલ કાર્યવાહી કરશે ખરી?
અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો હતો કે જો આ મેડિસિનની કોઈ વ્યક્તિને ખોટી અસર થઈ તો કોણ જવાબદારી લેશે? કોણ નક્કી કરશે કે આ કોઈ ખોટી બ્રાન્ડની નથી, તેની સાથે છેડછાડ નથી થઈ? ગુજરાતની જનતા આ જવાબ માગે છે?
શું કહે છે કાયદો?

ગુજરાતમાં દવાઓ વેચવાની દુકાનનું લાઇસન્સ આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરતો ફૂડ અને ડ્રગ્સ વિભાગ આપે છે.
તેની વેબસાઇટ પર મૂકેલી માહિતી પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ દવાઓનું વેચાણ કરતાં પહેલાં ડ્રગ અને કૉસ્મેટિક્સ ઍક્ટ 1940 હેઠળ લાઇસન્સ લેવું પડે છે.
ફૂડ અને ડ્રગ્સની વેબસાઇટ પર ડ્રગ્સનું લાઇસન્સ લેવા માટે કેટલીક શરતો લખવામાં આવી છે. ડ્રગ્સના વેચાણ માટે જે લાઇસન્સ લેવાનું છે તેના માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે તેમાં ત્રણ અલગ-અલગ પ્રકારની લાયકાતની વાત કરાઈ છે.
આ લાયકાતો પ્રમાણે વ્યક્તિ રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ હોવી જોઈએ અથવા લાઇસન્સ લેવા ઇચ્છુક વ્યક્તિએ મેટ્રિક્યુલેશન કર્યું હોવું જોઈએ અને ડ્રગ્સના ક્ષેત્ર સાથે ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વ્યક્તિએ પ્રમાણિત યુનિવર્સિટીની ડિગ્રી મેળવેલી હોય અને ડ્રગના કામકાજ સાથે એક વર્ષનો અનુભવ હોય તો તે વ્યક્તિને લાઇસન્સ મળી શકે છે.
મેડિસિન ઍક્સપર્ટ ચીનુ શ્રીનિવાસને લાયકાત વિશે સ્પષ્ટતાથી સમજાવ્યું હતું કે “જો વ્યક્તિ દવાનું વેચાણ રિટેઇલમાં કરવા માગતી હોય તો તેની પાસે ફાર્માસિસ્ટનું લાઇસન્સ હોવું જરૂરી છે.”
“જ્યારે જથ્થાબંધ વેચાણ માટે બીજી અને ત્રીજી લાયકાત પ્રમાણે તેને લાઇસન્સ મળી શકે છે.”
આ ઉપરાંત અનેક જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વેચાણની યોગ્ય જગ્યાની પણ વાત કરવામાં આવી છે.
દુકાનની જગ્યા જથ્થાબંધ અને છૂટક વેચાણ માટે દસ સ્ક્વૅર મીટરની હોવી જોઈએ, આ ઉપરાંત જથ્થાબંધ અને છૂટકની દુકાન કરવામાં આવે તો 15 સ્કવૅર મીટરની જગ્યા જરૂરી બને છે.
ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક કહે છે, “ભાજપ દ્વારા જે વહેંચણી થઈ રહી છે, તે સીધી રીતે ફૂડ અને ડ્રગ્સના કાયદાનો ભંગ છે.”
“આ ઉપરાંત સરકારે આ પહેલાં પણ જે લોકો વેચાણ કરતા હતા, તેમની સામે એપિડેમિક ડિસીઝ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. માટે સરકારે આમની સામે પણ ગુનો નોંધવો જોઈએ.”
તેઓ વધુમાં કહે છે, “હાલ કોરોના વાઇરસની મહામારીના કારણે રસી કે અમુક દવાઓ કંપનીઓ સીધી બજારમાં વેચી શકતી નથી. મોટા પ્રમાણમાં સરકાર હસ્તક જ છે.”
“આવામાં જીવનજરૂરી દવાનો આટલો મોટો સ્ટૉક કોઈ વ્યક્તિ ક્યાંથી લાવી તે પ્રશ્ન ઉદ્ભવે છે? સરકારે આ પહેલાં પણ ખોટી રીતે રેમડેસિવિર વેચતા લોકો પર કાર્યવાહી કરી છે. સરકારે આમાં પણ કરવી જોઈએ.”
ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક આને બંધારણીય મોરાલિટીનો અંત દર્શાવતાં કહે છે, “સી. આર. પાટીલ એવી રીતે વર્તી રહ્યા છે કે જાણે તેઓ પોતે જ સરકાર હોય. મુખ્ય મંત્રી અને એક પાર્ટીના પ્રમુખ વચ્ચેનો ભેદ ભુલાઈ ગયો છે.”
“બુલેટ ટ્રેનનો મુદ્દો હોય તો કહે કે હું મારા વિસ્તારના લોકોને વધારે વળતર અપાવી દઈશ, વળતર નક્કી કરવાની જવાબદારી કાયદા હેઠળ ક્લેક્ટરની છે. અહીં પણ જે ઇન્જેક્શનની વ્યવસ્થા સરકારે કરવાની હોય તે તેઓ કરી રહ્યા છે. પાટીલ કાયદાની બહાર જઈને કામ કરી રહ્યા છે.”
ગુજરાત હાઈકોર્ટના વકીલ શમશાદ ખાન પઠાણ કહે છે, “ડ્રગ્સ અને કૉસ્મેટિક્સના કાયદા હેઠળ લાઇસન્સ વિના ડ્રગ્સ વેચવાથી ત્રણ વર્ષની સજા અથવા પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવી છે.”
તેઓ કહે છે, “પ્રિસ્ક્રિપ્શન વિના દવા વહેંચી ન શકો તો સામાન્ય માણસ કોઈ દવા વેચી ન શકે. સરકારે અગાઉ રેમડેસિવિર વહેંચતા અનેક લોકો પણ કાર્યવાહી કરી છે.”
“એક-બે ઇન્જેક્શનની સાથે પણ લોકોની ધરપકડ કરી છે. જો સી. આર. પાટીલ સામાન્ય માણસ હોત અને તેઓ કોઈ પાર્ટીના નેતા ન હોત તો સરકાર તેમની ધરપકડ કરત કે નહીં?”

લોકોની સેવા માટે વિતરણ કરી રહ્યા છીએ : ભાજપ

ગુજરાતના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભાજપ કાયમ લોકોની સેવા માટે કાર્ય કરે છે અને અમારા કાર્યકર્તાઓ કામ કરતા રહે છે. સુરતમાં જે રેમડેસિવિરનું વિતરણ થઈ રહ્યું છે તે પક્ષના કાર્યકર્તાઓએ પોતાના પૈસા ખર્ચીને મગાવ્યા છે અને લોકોને વિતરણ કરી રહ્યા છે.
“એવું નથી કે રાજ્ય સરકારે જે ઇન્જેક્શનો મગાવ્યાં છે, તેમાંથી 5000 ઇન્જેક્શન લઈને ભાજપ લોકોને વિતરણ કરી રહ્યો છે. બધાં ઇન્જેક્શન ગુજરાત બહારથી મગાવવામાં આવ્યા છે.”
“આ ઇમર્જન્સીની સ્થિતિ છે અને લોકોની મદદ કરવા માટે ભાજપે આ પગલું લીધું છે.”
“ડૉક્ટરનું સર્ટિફિકેટ, RT-PCR ટેસ્ટ અને બીજાં કાગળો જોયા બાદ વ્યક્તિને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે અને તેમાં કોઈ પણ પ્રોટોકોલનું ભંગ થયું નથી.”
“આ ઇન્જેક્શન સ્ટૉક કરવા માટે નહીં પરતું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવા માટે મગાવવામાં આવ્યાં છે. ઇમર્જન્સીની સ્થિતિ હોય ત્યારે તમે માત્ર કાયદાને ધ્યાનમાં રાખીને ન ચાલી શકો.”
તેઓ કહે છે કે જો જરૂર જણાશે તો ભાજપ આવનારા દિવસોમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરશે.