અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૨૬૫ લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન તપાસ એજન્સીઓએ દુર્ઘટનાસ્થળ પર વિખરાયેલા વિમાનના કાટમાળમાંથી પુરાવા શોધવાનું શરુ કર્યું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ બોક્સથી પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સ ને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર કહેવામાં આવે છે.
બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઑડિયો (પાયલટની વાતચીત) રૅકોર્ડ થાય છે. બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રૅકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રૅકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે છે.
બ્લેક બોક્સ સામાન્ય રીતે નારંગી રંગ નું હોય છે. તે નારંગી રંગનું હોવાથી દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તેને શોધવું સરળ બને છે. બ્લેક બોક્સ સ્ટીલ અને ટાઇટેનિયમથી બનેલું હોય છે. તે વિવિધ પ્રકારના સિગ્નલો, વાતચીત અને ટેકનિકલ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં બે પ્રકારના રૅકોર્ડર છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (ડીએફડીઆર) અને કોકપિટ વોઇસ રૅકોર્ડર (સીવીઆર).
કોકપિટ વોઇસ રૅકોર્ડર(સીવીઆર)માં પાયલોટ અને તેના સાથીદારો વચ્ચે થતી વાતચીત અને અન્ય અવાજો રૅકોર્ડ થાય છે. તે કોકપિટ અને એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) વચ્ચે રેડિયો પર થતી વાતચીતને પણ રૅકોર્ડ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ એટલે ગ્રાઉન્ડ સ્ટાફ જે પાયલોટને ફ્લાઇટ ઉડાવવામાં મદદ કરે છે. તે સમગ્ર ફ્લાઇટ દરમિયાન રેડિયો દ્વારા પાયલોટ સાથે સંપર્કમાં રહે છે.
રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રૅકોર્ડર (સીવીઆર) મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની વચ્ચે હતું.