વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના ત્રીજા રાઉન્ડ (૨૦૨૩-૨૫)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર ૬૯ રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ૨૮૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે૧૩ જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને ૨૧૩ રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ ૧૦૨ રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા ૬૫ રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.
એઇડન માર્કરામે ૧૫૯ બોલમાં ૧૧ ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ ૧૨૧ બોલમાં ૫ ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે ૨૩૨ બોલમાં ૧૪૩ રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.

