વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-૨૦૨૫ ની ફાઈનલ મેચમાં એડન માર્કરમની વિસ્ફોટ સદીની મદદથી દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ લોડ્ર્ઝમાં રમાયેલી મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમને ૫ વિકેટે પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયની ટીમે પ્રથમ ઈનિંગમાં ૨૧૨ રન અને બીજી ઈનિંગમાં ૨૦૭ રન નોંધાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં ૧૩૮ માં ઓલઆઉટ થઈ ગયા બાદ બીજી ઈનિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરી ૫ વિકેટે ૨૮૨ રન નોંધાવી વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ કુલ ૭ વિકેટ અને મિચેલ સ્ટાર્કે કુલ ૫ ઝડપી હતી, જોકે બંને બોલરોની મહેનત એડે ગઈ છે. માર્કરમે બીજી ઈનિંગમાં ૧૩૬ રન અને બવુમાએ ૬૬ રન નોંધાવી દક્ષિણ આફ્રિકાને જીત અપાવી છે.
માર્કરમની સદી અને કેપ્ટન બવુમા સાથેની ભારે સંઘર્ષમય શતકીય ભાગીદારીને સહારે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનો તખ્તો ઘડી કાઢ્યો હતો. લોડ્ર્ઝમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૦૭ રનમાં સમેટાઈ તે પછી જીતવા દક્ષિણ આફ્રિકાને ૨૮૨નો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે રિકેલ્ટન (૬) અને મુલ્ડર(૨૭)ની વિકેટ ગુમાવ્યા બાદ માર્કરમે સદી અને બવુમાએ અડધી સદી ફટકારતાં ટીમને જીત તરફ આગળ ધપાવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહેલા જ દિવસે ૧૪ વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ ૨૧૨ રનમાં સમેટાઈ હતી. વેબસ્ટર (૭૨ રન) અને સ્મિથ (૬૬)ની જોડીએ જબરજસ્ત સંઘર્ષ કરતાં અડધી સદીઓ ફટકારી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકાનો ટોપ ઓર્ડર પણ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટરો સામે ટકી શક્યો નહતો અને તેમણે પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે ૪૩ રન નોંધાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા છેલ્લે ૧૯૯૮ માં આઇસીસી ટુર્નામેન્ટ જીત્યું હતુ. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૦૧ મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે ૫૪ જ્યારે દક્ષિણ આફ્રિકાએ ૨૬ મેચ જીતી હતી. બંને દેશો વચ્ચેની ૨૧ મેચ ડ્રો રહી હતી. બંને દેશોના આ આંકડાઓ જોતા એવું લાગતું હતું કે, કાંગારૂ ટીમનું પલડું ભારે છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ તેને હરાવ્યું છે.
