હાલ સોશિયલ મીડિયા પર અમેરિકન સેનાની એક માર્ચનો વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ પરેડ ૧૪ જૂન, ૨૦૨૫ ના દિવસે વૉશિંગ્ટન ડી.સીમાં આયોજિત કરવામાં આવી હતી, જે અમેરિકન સેનાના ૨૫૦ માં સ્થાપના દિવસ નિમિત્તે રાખવામાં આવી હતી. સામાન્ય રૂપે જ્યારે સેનાની પરેડની વાત થાય તો તે શિસ્ત, એક જેવી ચાલ અને તાલમેલની આશા રાખવામાં આવે, પરંતુ આ વખતે દુનિયાના સૌથી શક્તિશાળી દેશની સેનાની પરેડે લોકોને ચોંકાવી દીધા છે.
આ પરેડનું આયોજન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૭૯ મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ લાંબા સમયથી ભવ્ય લશ્કરી પરેડનું સ્વપ્ન જોતા હતા, જેમ કે ઘણીવાર રશિયા અથવા ઉત્તર કોરિયામાં જોવા મળે છે. જ્યારે આ પરેડ થઈ ત્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની બહાર એક સ્ટેજ પર ઉભા હતા અને ટેન્ક, વિમાન અને લગભગ ૭,૦૦૦ સૈનિકોની માર્ચને સલામી આપી રહ્યા હતા. અમેરિકન આર્મીના મતે, આ પરેડનો ખર્ચ લગભગ ૪૫ મિલિયન ડૉલર (લગભગ ૩૭૫ કરોડ રૂપિયા) હતો.
ઘણા દર્શકો અને સોશિયલ મીડિયા યુઝર્સે આ પરેડને નીરસ ગણાવી હતી. ન તો ભીડ હતી, ન તો ઉત્સાહ હતો, ન તો તાલમેલ હતો. કેટલાક લોકોએ કહ્યું કે, એવું લાગે છે જાણે અમેરિકાના સૈનિકો અડધી ઊંઘમાં છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને લેખક એન્ડર્સ અસલુન્ડે આ પરેડને ‘ટ્રમ્પ માટે મોટી શરમ’ ગણાવી. તેમણે લખ્યું કે, અમેરિકન સૈનિકો માર્ચ કેવી રીતે કરવી તે નથી જાણતા અને તેને કરવામાં ઉત્સાહ પણ નથી બતાવી રહ્યા. એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, ‘જાણે અમેરિકન સૈનિકોને પગાર નથી મળ્યો, એટલે જ તેમના પગમાં જોશ નથી જોવા મળતો.’
ટ્રમ્પની આ પરેડમાં જ્યાં કરોડો ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો, વળી તેની તુલનમાં ‘નો કિંગ્સ’ વિરોધમાં ભારે ભીડ ઉમટી હતી. ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયાસ હ્યૂસ્ટન અને અટલાંટા સહિત અનેક શહેરોમાં લાખો લોકો ટ્રમ્પની નીતિ સામે રસ્તા પર ઉતર્યા હતા. અમુક પ્રદર્શનકારીઓ તો ફ્લોરિડા સ્થિત ટ્રમ્પના માર-એ-લાગો નિવાસ અને પેરિસ સુધી પહોંચી ગયા હતા.